અમદાવાદમાં ફરી એક વખત એરપોર્ટ પરથી કોકેઈનનો જથ્થો ઝડપાયો છે. ફ્લાય દુબઈની ફ્લાઇટમાં આવેલા શખ્સ પાસેથી 6 કરોડનું કોકેઈન મળ્યુ છે. NCBએ કોકેઈનના જથ્થા સાથે આફ્રિકન પેડલરની ધરપકડ કરી છે. આશરે 2 કિલો જેટલો કોકેઈનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે અગાઉ પણ એક આફ્રિકન નાગરિક ચાર કિલો કોકેન સાથે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો હતો.
NCBએ 12 ઓગસ્ટના રોજ આ આફ્રિકન કેસની ધરપકડ કરી હતી.અમદાવાદ એરપોર્ટ પરથી 2 કિલો કોકેઈન ડ્રગ્સ સાથે એક આફ્રિકન દેશ-ઝામ્બીયાના નાગરીક જોન હેંચાબીલાની ધરપકડ કરાઇ છે. વહેલી સવારે દુબઈથી આવેલી ફલાઈટમાં 2 કિલો કોકેઈન લઈને એક શખ્સ આવી રહ્યો હોવાની બાતમી NCBને મળી હતી. જેના આધારે ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. ત્યારે આ શખ્સ પાસે રહેલી બેગમાં તપાસ કરતા બે કિલો જેટલું કોકેઈન ડ્રગ્સ મળી આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 6 કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે. ઝડપાયેલો વિદેશી નાગરિક હેન્ડબેગમાં આ કોકેઈન ક્યાંથી લાવ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ પહેલા ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણના વિરોધમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન કરાયું હતું. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. વલસાડ જિલ્લાના ડુંગરી ગામે કરવામાં આવેલી આ રેડ 20 કલાક સુધી ચાલી હતી. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમને રેડ દરમિયાન 85 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.