ખોડીયાર રાસ મંડળ અન્નક્ષેત્રના કિશોરભાઇ વાડોદરિયાના કહેવા મુજબ, અમે દર વખત હોય એના કરતાં સવાગણું વધુ રાશન લાવ્યા છીએ. જેમાં 100 ને બદલે 125 ડબ્બા તેલ, 35 ને બદલે 40 ડબ્બા ઘી, 125 ને બદલે 150 કટ્ટા ચણાનો લોટ અને એટલોજ ઘઉંનો લોટ સાથે લાવ્યા છીએ. અને પહેલાજ દિવસથી લોકોની સંખ્યા વધુ થવા લાગી છે.જ્યારે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણાના કહેવા મુજબ, દર વખતે પાણીની ફરિયાદ રહેતી. તેને નિવારવા અમે 8 ટાંકીને ઓનલાઇન કરી દીધી. જેથી તેમાં કેટલું પાણી છે એ કર્મચારી પોતાના મોબાઇલમાં રીયલ ટાઇમ જોઇ શકે. અને ખાલી થાય એટલે તુરંત ટેન્કરથી ભરી શકે. આ રીતે અમે ઓનલાઇન પાણીની વ્યવસ્થા કરાવી છે.મેળા દરમ્યાન આ વખતે માહી અને અમુલ ડેરીના કુલ મળી 35 હજાર લિટર દૂધ અને 13 હજાર લિટર છાશનો વપરાશ થવાનો અંદાજ રખાયાનું બંને ડેરીના સુત્રોએ જણાવ્યું હતું.
5 દિવસીય મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. દરમિયાન મેળામાં 3 દિવસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થનાર છે. આ અંગે મળતી વિગત મુજબ ભવનાથમાં મહા શિવરાત્રી મેળાનો મહાવદ નોમથી શુભારંભ થયો છે જે 1 માર્ચ સુધી(પાંચ દિવસ) ચાલશે. દરમિયાન મેળામાં ત્રણ દિવસ માટેના સાંસ્કૃતિક કાર્યક્રમનું જિલ્લા વહિવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન કરાયું છે. તા. 26, 27 અને 28 ફેબ્રુઆરીના સાંજના 6:30 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.આમાં ખાસ કરીને લોક ડાયરો, ભજન, સંતવાણીના કાર્યક્રમો રજૂ થશે. જાણીતા કલાકારો દ્વારા લોક સાહિત્યની રમઝટ બોલાવશે સાથે ભજન અને સંતવાણી પણ રજૂ થશે. ત્યારે ત્રણ દિવસ સુધી યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોનો મેળામાં ઉપસ્થિત ભાવિકોને લાભ લેવા જિલ્લા વહિવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવાયું છે.