ધોરાજી પાસે પસાર થતાં ટાયર ફાટ્યું અને કાર રેલિંગ તોડી ભાદર નદીમાં ખાબકી, ચાર લોકોના મોત

બુધવાર, 10 એપ્રિલ 2024 (12:25 IST)
Dhoraji car broke railing and fell into Bhadar river
 જિલ્લાનાં ધોરાજી ખાતે ભાદર નદીના પુલ પાસે કારનું ટાયર ફાટતા કાર પુલની રેલિંગ તોડી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ છે અને તરવૈયાઓની મદદથી તમામનાં મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
ભાદર નદીના પુલ પરથી કાર પસાર થઈ રહી હતી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાનાં ધોરાજી પાસે આવેલ ભાદર નદીના પુલ પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક કારનું ટાયર ફાટતા આ કાર ભાદર નદીમાં ખાબકી હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની મદદથી કાર અને તેમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે તમામના મૃતદેહ જ બહાર આવ્યા હતા. અકસ્માતમાં બે મહીલા એક યુવતી અને એક પુરુષ સહિત ચાર વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃતકના નામ 55 વર્ષીય સંગીતાબેન કોયાણી 52 વર્ષીય લીલાવંતી બેન ઠુંમ્મર, 55 વર્ષીય દિનેશભાઈ ઠુંમ્મર અને 22 વર્ષીય હાર્દિકાબેન ઠુંમ્મર હોવાનુ સામે આવ્યું છે. 
 
કારનું ટાયર ફાટયુ હોવાને કારણે અકસ્માત સર્જાયો
આ કાર માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી. ત્યારે જ કોઈ કારણોસર કાર ભાદર ડેમમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. મૃતકો ધોરાજીનાં જેતપુર રોડ નજીકના રહેવાસી હોવાનું તેમજ પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટયુ હોવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકનાં પરીવારજનો તથા સ્થાનિક ભાજપનાં અગ્રણીઓ તથા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટનાં હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડયા હતા.પોલીસે મૃતકોની લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર