આ ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સવારે 5:30 વાગ્યાની આસપાસ હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે પટેલ ટ્રાવેલ્સની ખાનગી બસ નંબર NL-01B-2324 કચ્છ થી અમદાવાદ તરફ જઈ રહી હતી. એ સમયે ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હતું અને બસ પલટી મારી ગઈ હતી. જેને પગલે હાઇવે પર ઇજાગ્રસ્તોની ચિચિયારીઓ ગુંજી હતી. બસ પલટી મારી જવાના કારણે 16 જેટલા મુસાફરોને ઇજાઓ થઈ હતી. અને તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાને ગંભીર રીતે ઇજા થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે મોરબીની પાંચ જેટલી 108 અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને સત્વરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારમાં બનેલી આ ઘટનાને કારણે હાઇવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાલ પોલીસ દ્વારા ટ્રાફિકને ક્લિયર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં વિપુલ રમણભાઈ પ્રજાપતિ, વિનુ પરમાર, વિજય રામચંદ્ર ગુપ્તા, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ, સૌરભ સોની, દિપક પરસોત્તમ આણંદદાની, કલ્પના દિપક આણંદ દાની, રવિ પટેલ, ઇરસાદ આલમભાઈ, દિનેશ કાંતિલાલ, કાનો દિનેશભાઇ, દિગ્વિજય કાનભાઈ અને લીલા રાજેશભાઇનો સમાવેશ થાય છે