પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં સ્થિત હાઉસિંગ બોર્ડના મકાનોની એક ઈમારત ધડાકાભેર તૂટી પડી હતી. આ ઈમારત ત્રીસેક વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે. આ ઈમારતમાં ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયાં છે. આ ઈમારતમાં હાલમાં લોકો રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઈમારત ધરાશાયી થવાની જાણ થતા જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાના કારણે કાટમાળમાં કેટલાક લોકો દટાયાની પૂરતી શક્યતા છે. જેથી હાલ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પર 5થી વધુ 108 તૈયાર રાખવામાં આવી છે.