એક તરફ કચ્છ-સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની ‘આફત’ મુશ્કેલી સર્જી રહી હતી તો બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે મજેવડી દરવાજા વિસ્તારમાં દરગાહનું ‘દબાણ’ દૂર કરવા મામલે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન ‘એક નાગરિકનું પ્રાથમિક દૃષ્ટિએ પથ્થરની ઈજાના કારણે મૃત્યુ’ થયું હતું.
પોલીસ અને ટોળા વચ્ચે થયેલા આ ઘર્ષણમાં પાંચ પોલીસકર્મી ‘ઈજાગ્રસ્ત’ થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ‘ટોળામાં સામેલ અસામાજિક તત્ત્વો’એ ‘એસટી બસને આગ ચાંપવાનો પ્રયાસ’ કર્યો હતો, જેમાં ‘બસ ડ્રાઇવર અને કંટક્ટર’ને ઈજા થઈ હતી. ઘર્ષણના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયા હતા. બાદમાં ઘટના સમાચારોમાં છવાઈ ગઈ હતી.