અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી, કાટમાળમાં દટાયેલા ત્રણ વ્યક્તિઓનું ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યુ

શનિવાર, 17 જૂન 2023 (16:50 IST)
ahmedabad
કાટમાળમાંથી બહાર કઢાયેલા ત્રણ વ્યક્તિઓમાં એક મહિલા અને બે પુરુષોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
 
 શહેરના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાહી થવાની ઘટના બની છે. કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરની પાછળ બપોરે બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા હતાં. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડને સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી. 
 
નવા વાસમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા નવા વાસમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા હતાં. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં જ ટીમ રવાના થઈ ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર વિભાગે કાટમાળમાંથી એક મહિલા અને એક પુરૂષને બહાર કાઢ્યા હતાં બંને જણાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.કાટમાળમાં દટાયેલા એક વ્યક્તિને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે ફાયર વિભાગની સાથે સ્થાનિક લોકો પણ મદદ માટે જોડાયા છે. 
 
ફાયરબ્રિગેડના જવાનોએ ત્રણેય વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું
મકાન ધરાશાયી થતાં લોકોના ટોળા જામ્યા હતાં. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટોળાને વિખેરવા માટે પ્રયાસો કર્યા હતાં. આ ઘટનામાં રેસ્ક્યૂ માટે ફાયર વિભાગની નવ ગાડીઓ રેસ્કયૂ ઓપરેશનમાં જોડાઈ હતી. ફાયરવિભાગે ત્રણેય વ્યક્તિઓને કાટમાળ નીચેની બહાર કાઢતાં રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણમાંથી એક વ્યક્તિને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યો હતો. દટાયેલા વ્યક્તિઓમાં મહિલાનું નામ નીલાબેન જ્યારે એક પુરુષનું નામ રાહુલભાઈ હોવાનું સામે આવ્યું છે. તો બેભાન અવસ્થામાં મળી આવેલ પુરુષની ઓળખાણ કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર