રાજકોટમાં ભાજપમાં ઉકળતો જૂથવાદઃ વિજય રૂપાણી બાદ જયેશ રાદડિયા ટાર્ગેટ, જિલ્લા બેંકમાં ભરતીકૌભાંડની PM સુધી રજૂઆતની ચર્ચા

મંગળવાર, 1 માર્ચ 2022 (13:22 IST)
વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ પત્ર લખ્યો છે, જેમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતીકૌભાંડ અને ગોલમાલ અંગે રજૂઆત કરી છે. આ અંગે વડાપ્રધાન સુધી રજઆત કર્યાની પણ ચર્ચા ઊઠી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપનો જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે, જેમાં રૂપાણી જૂથને ટાર્ગેટ કરવા હવે જયેશ રાદડિયાને જિલ્લા બેંકમાંથી દૂર કરવા અસંતુષ્ટો એક થઈ ગયા છે. જો કે રૂપાણીને ભલે ટાર્ગેટ કર્યા હોય પણ રાદડિયા સામે મોરચો ખોલવો ભાજપના જ નેતાઓને ભારે પડી શકે છે. મંત્રી ન હોવાછતાં જયેશ રાદડિયાનું ખેડૂતોમાં વર્ચસ્વ છે. માત્ર એટલું જ નહીં, જેતપુર-જામકંડોરણાથી લઈ રાજકોટના આસપાસના વિધાનસભા વિસ્તારોમાં રાદડિયાનો પ્રભાવ છે.રાજકોટ યાર્ડમાં ચેરમેન લઇને પ્રશ્ન ઊઠ્યો હતો, જેમાં ચેરમેન તરીકે પરસોતમ સાવલિયાનું નામ છેલ્લે સુધી નક્કી હતું અને યાર્ડનો મામલો રૂપાણીના કાળમાં રાદડિયા જ સંભાળતા હતા. બાદમાં સત્તા પરિવર્તન થયું, પણ સાવલિયાને ચેરમેનપદ મળ્યું નહીં. તાજેતરમાં જસદણના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે ભાજપના મહામંત્રીથી ત્રાસી રાજીનામું આપ્યું હતું અને કુંવરજી બાવળિયાએ આ મહિલા નેતાને ટેકો આપ્યો હતો. આમ, જિલ્લામાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. હવે સત્તાનાં સમીકરણો સમૂળગાં બદલાતાં અત્યારસુધી મૌન રહીને સહી લેનારા નેતાઓ હવે મેદાને આવ્યા છે, આથી આ સહકારી આગેવાનોએ જિલ્લા બેંકમાં ભરતીમાં લાખોનો વહીવટ થયાનો આક્ષેપ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે.

જિલ્લા બેંકમાં ભરતીકૌભાંડ અંગે સ્થાનિક સહકારી નેતાઓએ ગાંધીનગર પત્ર લખ્યા બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યા છે. દિલ્હીમાં વડાપ્રધાનને મળીને સમગ્ર પ્રકરણની જાણ કરી હોવાનું સહકારી જગતમાં ચર્ચાઈ રહ્યું છે. કહેવત મુજબ રાજકારણમાં દોસ્તી અને દુશ્મની કાયમી હોતી નથી અને દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. એનું ઉદાહરણ સહકારી જગતના રાજકારણમાં જોવા મળી રહ્યું છે. પહેલાં જે જૂથ એકબીજાના હરીફ હતા એ હવે જિલ્લા બેંકની ભરતીકૌભાંડના મામલે એક થઈ ગયાં છે અને આ અંગે હાઈકોર્ટ- સુપ્રીમકોર્ટ સુધી પહોંચવાની તૈયારી પણ બતાવી છે. જો જયેશ રાદડિયાને દૂર કરવામાં આવે તો તેના સ્થાને કોને બેસાડવા અને ડિરેક્ટરમાં કોને ઘુસાડવા એ સહિતનો પ્લાન તૈયાર થઇ ગયો છે. તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર