રાજકોટમાં 3 વર્ષની બાળકીને સાવકા બાપે ઢોર માર માર્યો, સીવીલ હોસ્પિટલનાં ઇમર્જન્સી વોર્ડમાં સારવાર ચાલુ

શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (11:42 IST)
રાજકોટમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ઉપલેટાના પાટણવાવ ગામે સાવકા પિતાએ ત્રણ વર્ષની માસૂમ દીકરીને ઢોર માર મારતા માસૂમને ગંભીર ઇજા પહોંચી છે. હાલ આ બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.આ મુદ્દે બાળકીની માતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પતિ અને તેના નણદોઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ખાનગી હોસ્પિટલમાં ઘટસ્ફોટ થયો
મળતી માહિતી પ્રમાણે ઉપલેટાના ધોરાજી પાસે આવેલા પાટણવાવ ગામની આ ઘટના છે. સાવકા પિતાએ દીકરીને ઢોર માર મારતા માતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગઇ હતી. ખાનગી હોસ્પિટલમાં બે દિવસ સારવાર ચાલતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો. ત્યારબાદ દીકરીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.
 
17 દિવસથી મારી દીકરી ઘરે કણસતી હતી 
દીકરીની માતા અર્ચનાબેન ચુડાસમાનું કહેવું છે કે, ધર્મેશ તેનો સાવકો પિતા છે. મારા પહેલાં લગ્નમાં છુટાછેડા થઇ ગયા હતાં આ દીકરી મારી સાથે લગ્ન બાદ આવી હતી. જે મારા પતિને નહોતી ગમતી. 7 ફેબ્રુઆરીના રોજ મારા પતિ અને નણદોઈ સંજય મૂછડિયાએ મારી દીકરીને ઢોર માર માર્યો હતો. 17 દિવસથી મારી દીકરી ઘરે કણસતી હતી, છતાં મારો પતિ ધર્મેશ અને નણદોઈ સંજય મૂછડિયા દીકરીને હોસ્પિટલે જવા દેતો ન હતો. દીકરીની હાલત વધુ નાજુક થતા હું તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવી છું.
 
જાનથી મારી નાંખવાની ધમકી આપી 
સાવકા પિતા ધર્મેશે તેની પત્નીને આ સમગ્ર મામલા અંગે કોઇને પણ વાત કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી હાલ માતાને મહિલા પોલીસની સુરક્ષામાં રાખવામાં આવી છે. જ્યારે સાવકા પિતાની અટકાયત કરીને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર