જાહેર માધ્યમોના વાચકોમાંથી જે લોકો માધ્યમનું મૂલ્યાંકન કરવા જેટલાં શિક્ષિત હોય અને વંચાયેલા અહેવાલોની વિશ્વસનિયતા ચકાશી શકે તેમ હોય તેઓ ફેક ન્યૂઝ ફેલાવે તેની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. આ કારણે બીબીસીના પત્રકારોની ટીમ યુકે તથા ભારતની શાળાઓની મુલાકાત લઈને માધ્યમો અંગે જાગૃતિ ફેલાવવા માટેના વર્કશોપ કરી રહી છે. આ ‘રિયલ ન્યૂઝ’ વર્કશોપ બીબીસીના બિયોન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટના ભાગરુપે યોજાઈ રહ્યાં છે. ભારતમાં 12મી નવેમ્બરથી તેનો આરંભ થઈ રહ્યો છે. તેની પાછળનો ઉદ્દેશ વિશ્વમાં ફેલાઈ રહેલી ખોટી માહિતીનો સામનો કરવા માટેના વ્યવહારુ ઉકેલો શોધવાનો છે. માધ્યમો વિશેની જાગૃતિ વધે તે માટે બીબીસી વર્લ્ડ સર્વિસે વિવિધ પ્રયાસો હાથ ધર્યાં છે. જેના ભાગરુપે આ પ્રોજેક્ટ શરુ કરાયો છે. બીબીસીના દિલ્હી કાર્યાલય તથા આસપાસના વિસ્તારો ઉપરાંત તેની ટીમે ગુજરાતમાં પણ આ પ્રકારની વર્કશોપનું આયોજન કર્યું છે. હવે આ અંગે આવનારી 12મી નવેમ્બરે અમદાવાદ ખાતે બીબીસીની એક કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે.