ગાંધીનગરમાં મેયરની ચૂંટણી પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરનું અપહરણ

સોમવાર, 5 નવેમ્બર 2018 (12:40 IST)
ગાંધીનગર કોર્પોરેશનના મેયરની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ થયું છે. અંકિત બારોટના અપહરણને લઈ ગાંધીનગરમાં રાજકીય દોડધામ મચી ગઈ છે. અંકિત બારોટના પત્ની ભૂમિકા બારોટે સેક્ટર-21 પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કેતન અને મગન નામના બે શખ્સો સામે અપહરણનો આરોપ લગાવ્યો છે. સાથે જ અંકિત બારોટે મોકલેલો મેસેજ પણ સામે આવ્યો છે. જેમાં બન્નેના નામનો ઉલ્લેખ છે અને વાવોલ પાસેથી અપહરણ કરાયું હોવાનું જણાવ્યું છે. 
તાજેતરમાં મળતી માહિતી મુજબ ગાંધીનગરના કોંગ્રેસના ગુમ થઈ ગયેલા કોર્પોરેટર અંકિત બારોટનો મધરાતે સંપર્ક થયો હતો. અંકિતે અજાણ્યા નંબર પરથી ફોન કરીને તેમને ગોંધી રખાયો હોવાની જાણ કરી હતી. અંકિત બારોટે ફોન કરીને ધનસુરા મોડાસા વચ્ચે અજ્ઞાત સ્થળે ગોંધી રખાયો હોવાનું જણાવ્યું હતું. નંબરના આધારે તપાસ કરતા ફોનનું લોકેશન ધનસુરા હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્ય સી.જે.ચાવડાએ અરવલ્લી જિલ્લા પોલીસ વડાને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. 9.30 કલાકે ધારાસભ્ય સી.જે.ચાવડા અને અંકિતના પિતા ગાંધીનગર પોલિસ સ્ટેશન જશે.
કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા પર આરોપ લગાવ્યો છે. સીજે ચાવડાનું કહેવું છે કે અશોક પટેલના ભત્રીજા કેતન પટેલે અંકિત બારોટનું અપહરણ કર્યું છે. મેયર પદની હોડમાં આ અપહરણ કરાયું છે. કેતન પટેલના પત્ની કોર્પોરેટર હોવાથી તેમને મેયર બનાવવાની હોડમાં અંકિત બારોટનું અપહરણ કરાયું હોવાનો આરોપ પણ સીજે ચાવડાએ લગાવ્યો છે.સીજે ચાવડાએ કહ્યું કે જ્યાં સુધી અંકિત બારોટ પરત ન ફરે ત્યાં સુધી ચૂંટણી યોજવી ન જોઈએ. સમગ્ર ઘટના બાદ કેતન પટેલના નિવાસસ્થાને કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર