30 એપ્રિલ સુધી ગુજરાતના મોટાભાગના મંદિરો અને પ્રવાસનો સ્થળો પર પ્રતિબંધ

સોમવાર, 12 એપ્રિલ 2021 (10:25 IST)
કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય  (ઑફલાઈન) આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે.
 
સોમનાથ મંદિર બંધ
 
પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યમાં વધતા કોરોના કેસને લીધે સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. સોમનાથ મંદિર આજથી અન્ય નિર્ણય ન આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. શ્રધ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધી ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી ઓનલાઇન નોંધાવી શકશે. 
 
શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગુરૂ આશ્રમ બગદાણા ધામ ખાતે પણ 13 મી એપ્રિલથી અન્ય નિર્ણય ન આવે ત્યાં સુધીમંદિર, ભોજનશાળા અને ધર્મશાળા બંધ કરવામાં આવેલ છે.જ્યારે મહેસાણા ખાતે ઐઠોર ગણપતિ મંદિર સંસ્થાન દ્વારા પ્રતિવર્ષ યોજાતો પરંપરાગત મેળો રદ કરાયાની માહિતી મળી છે.
 
ઝાંઝરી ધોધ પર પ્રતિબંધ
અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ ઝાંઝરી મંદિર તેમજ ધોધ પર પર્યટકોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલમાં ગુજરાત રાજ્યમાં તેમજ અરવલ્લી જિલ્લામાંકોરોનાનું સંક્રમણ વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણ ફેલાવવાની દહેશત રહેલ છે. જેથી જાહેર હીતમાં વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
 
સુરેન્દ્રનગર જીલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન
 
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના વેપારીઓ ગુરુવારને 15 તારીખથી આવતા રવિવાર ૧૮ એપ્રિલ સુધી સંપૂર્ણ આખો દિવસ સ્વૈચ્છિક  લોકડાઉન વેપાર ધંધા સંપુર્ણ બંધ રાખશે. ચોટીલા ચેમ્બર ઓફ કૉમર્સની કારોબારી કમિટીની બેઠક માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે આ દરમ્યાન ચોટીલાના પરા વિસ્તારની દુકાનો પણ સંપૂર્ણ બંધ રાખવાની રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર