વર્ષ 1946માં ગુજરાતથી શરૂ થયેલી અમૂલની સફર આજે દેશના ખૂણે ખૂણે પ્રસરી

શુક્રવાર, 19 નવેમ્બર 2021 (08:52 IST)
અમૂલ એની સ્થાપનાનું 75મું વર્ષ ઊજવી રહ્યું છે. વર્ષ 1946માં ગુજરાતથી શરૂ થયેલી આ સફર આજે દેશના ખૂણે ખૂણે પ્રસરી છે. એટલું જ નહીં, પણ અમૂલ આજે દરેક ઘરની જરૂરિયાત પણ બની ગયું છે. અમૂલનો દાવો છે કે ભારતમાં અંદાજે 100 કરોડ લોકો રોજ એનાં ઉત્પાદનો વાપરે છે, એટલે કે દર ત્રણમાંથી 2 વ્યક્તિ રોજ અમૂલનાં ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. અત્યારે લોકો અમૂલને એક સહકારી ડેરીની બ્રાન્ડ તરીકે જુએ છે, પરંતુ એ ધીમે ધીમે નોન ડેરી પ્રોડસક્ટ્સમાં પણ આવી રહી છે. એ હવે પોતાની ઓળખ ડેરી કો-ઓપરેટિવમાંથી FMCG કો-ઓપરેટિવ બની ITC, અદાણી વિલમર, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલીવર, બ્રિટાનિયા જેવી મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવવા તરફ આગળ વધી રહી છે. દિવ્ય ભાસ્કરે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢી સાથે વાત કરીને અમૂલની અત્યારસુધીની સફર તથા એના ભવિષ્ય અંગે જાણ્યું હતું.દેશના આશરે 100 કરોડ લોકો અમૂલ દૂધ સહિત અન્ય ઉત્પાદનો વાપરે છે. હાલમાં અમૂલ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, કાશ્મીર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ સહિત 16-17 રાજ્યોમાં હાજર છે. અમે ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ આગળ વધી રહ્યા છીએ. મીઠાઇ સેગમેન્ટમાં પણ ગ્રાહકો તરફથી અમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.અમૂલની શરૂઆત થઈ તે સમયે રોજનું 247 લિટર દૂધનું કલેક્શન થતું હતું. ધીમે ધીમે આ કો-ઓપરેટિવ બ્રાન્ડનો વિસ્તાર થયો. સેકડોમાંથી હજારો અને હજારોમાંથી લાખો પશુપાલકો અને ખેડૂતો તેની સાથે જોડતા ગયા. આજે અમૂલ સાથે ગુજરાતમાં 27 લાખ અને ગુજરાત બહાર 7 લાખ મળીને કુલ અંદાજે 35 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે અને અમૂલ દૈનિક આશરે 2.50 કરોડ લિટર દૂધનું કલેક્શન કરે છે.અમૂલના આર્થિક ગ્રોથ પર નજર કરીએ તો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)નું ટર્નઓવર 1994-95માં રૂ. 1,114 કરોડ હતું જે 2020-21માં રૂ. 39,248 કરોડ પર પહોંચ્યું છે. અમૂલ અને તેની સાથે જોડાયેલા 18 ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન્સનું સંયુક્ત ટર્નઓવર રૂ. 53,000 કરોડને પાર કરી ગયું છે. સોઢીએ જણાવ્યું હતું કે 2021-22માં સંયુક્ત રીતે રૂ. 63,000 કરોડના ટર્નઓવરની અપેક્ષા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર