અમદાવાદમાં હાલમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્યાં હાજરી આપી હતી. તેમની સાથે ગુજરાતના ઉદ્યોગપતિઓ પણ હાજર હતાં. ત્યારે આજે અમિત શાહે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં છે. આ બેઠકમાં નારણપુરામાં તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના કામની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. અમદાવાદના નારણપુરામાં કરોડોના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તૈયાર થનાર છે. 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઓલિમ્પિકની તૈયારીઓ માટે સજ્જ થઈ જાય એ પ્રકારની સુવિધાઓ આ કોમ્પલેક્સમાં હશે.
આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમા આંતરારાષ્ટ્રીય તથા રાષ્ટ્રગીત રમતોની સાથે સાથે પ્રાદેશિક રમતગમતો પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરવામાં આવી છે.આ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમત સંકુલને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.અમિત શાહ આવતી કાલે અમદાવાદમાં પોતાના મતવિસ્તારના ધારાસભ્યો સાથે બેઠકો કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. અમદાવાદના ઘાટલોડિયા, સાબરમતી અને નારણપુરાના ધારાસભ્યો આ બેઠકમાં હાજર રહેશે. તે ઉપરાંત આ બેઠકમાં સાણંદ, વેજલપુર, કલોલ અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યો પણ હાજર રહેશે. જેમની સાથે વિકાસના કાર્યો તેમજ લોકોના પ્રશ્નોની ચર્ચા કરાશે. શહેરના સાબરમતી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તેમજ નવા રેલ્વે સ્ટેશન અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે.અમિત શાહે અમદાવાદમાં ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. તેમની સાથે રાજ્યના ઉદ્યોગપતિઓ પણ હાજર હતાં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. તેમણે સંતોના આશિર્વાદ લઈને પ્રમુખ સ્વામી નગરમાં તૈયાર કરવામાં આવેલ ગ્લો ગાર્ડન સહિતની પ્રદર્શની નિહાળી હતી.