શ્રમિક-મઝદૂરો સહિત નાનામાં નાના માનવીને ખોટી પરેશાની ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસ ઊભી કરે:- મુખ્યમંત્રીનું પ્રેરક સૂચન

શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (09:52 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના વ્યક્તિઓ સહિત શ્રમિક-મજદૂરોને કોઇ ખોટી પરેશાની કે રંજાડ ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઊભી કરવાનું પ્રેરક સૂચન કર્યુ છે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય-શુભેચ્છા મુલાકાત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નેતૃત્વમાં અમદાવાદ શહેર પોલીસના અધિક કમિશનરો, સંયુકત પોલીસ કમિશનરો તેમજ અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ વિવિધ પોલીસ ઝોનના નાયબ કમિશનરોએ ગાંધીનગરમાં લીધી હતી.
 
મુખ્યમંત્રીએ અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી રહે તથા નાગરિકોને પુરતી સુરક્ષા-સલામતિનો અહેસાસ થાય તેવી ફરજનિષ્ઠા માટે પોલીસ અધિકારીઓની ‘ટિમ અમદાવાદ પોલીસ’ને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું.
 
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અમદાવાદમાં હાલ યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ સંદર્ભમાં ત્યાં આવનારા લોકોને પોલીસ સંબંધી જરૂરિયાતના સમયે મદદ માટેની હેલ્પડેસ્ક સહિતની સુરક્ષા-સલામતિ વ્યવસ્થાઓની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી. સૌ પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાનો પરિચય અને કાર્યક્ષેત્રની વિગતોથી માહિતગાર કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર