અમદાવાદમાં SP રિંગ રોડ પર બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થવા અંગે આજે ઔડાના અધિકારીઓ સમીક્ષા કરશે

બુધવાર, 22 ડિસેમ્બર 2021 (10:39 IST)
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ગત રાતે ધરાશાયી થયો હતો. બ્રિજનો સ્લેબ પડતા બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઔડાના અધિકારીઓએ મોડી રાત્રે તૂટેલા બ્રિજની મુલાકાત લીધી હતી. આજે પણ ઔડાની ટીમ આવીને બ્રિજની કામગીરી અને તૂટી પડવાના કારણો અંગેની સમીક્ષા કરવામાં આવશે. ઔડા દ્વારા રણજિત બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાકટ અપાયો હતો. ઔડા દ્વારા એસપી રિંગ રોડ પર કુલ 8 જંકશન પર ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે જેમાં શાંતિપુરા સર્કલ પર બની રહેલો આ બ્રિજ સૌથી વધુ રૂ. 95 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો. એસપી રિંગ રોડ પર બની રહેલા નવા ફલાય ઓવરબ્રિજોમાં ઝુંડાલ સર્કલ પર બનેલો ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરી થઈ જતાં બ્રિજ તૈયાર થઈ ગયો છે.આ મામલે ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું છે કે, ‘નિર્માણાધિન બ્રિજ પર 10થી 12 મજૂરો કામ કરતા હતા. ત્યારે અચાનક જ બ્રિજનો સ્લેબ તૂટી પડતા નીચે ઉતરી ગયા હતા. સ્લેબની નીચે કોઈ ફસાયું છે કે કેમ તેની તપાસ કરાઈ હતી. જો કે હજી સુધી કોઈ જાનહાનિ સામે આવી નથી. લેબર કોન્ટ્રાકટર પાસે મજૂરોની માહિતી મેળવવામાં આવશે.’આ દુર્ઘટનામાં બ્રિજના સ્પોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા. રાતનો સમય હોવાથી એકપણ મજૂર નીચે નહોતો. જેને કારણે મોટી જાનહાનિ ટળી છે. મહત્વનું છે કે, બ્રિજની કામગીરી 50 ટકા પૂર્ણ થઈ ગઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર