અમદાવાદમાં રાઈડ દુર્ઘટના મામલો: હવે ઠરીને ઠામ કરવાના પ્રયાસ
શુક્રવાર, 19 જુલાઈ 2019 (12:11 IST)
શહેરના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી નામની રાઈડ તૂટ્યાના ચાર દિવસ બાદ પણ બે લોકોનાં મોત માટે જવાબદાર કોણ છે તે સામે આવ્યું નથી. જ્યારે પોલીસ દ્વારા પણ હવે તપાસની તમામ બાબતો છુપાવવામાં આવી રહી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમ જ મીડિયા સાથે કોઈપણ વાત કરવાનો અને માહિતી આપવાનો ઈનકાર કરી રહ્યા છે. મનપા, આર એન્ડ બી વિભાગ અને પોલીસ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી મામલો રફેદફે કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. માત્ર એટલું જ નહીં તા.૧૭ જુલાઈના રોજ એફએસએલનો રિપોર્ટ આવ્યો હોવા છતાં આ રિપોર્ટ મીડિયાને ન આપીને મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ જ સત્તાવાર રીતે રાઈડ તૂટવા પાછળનું નક્કર કારણ પણ આપવામાં આવ્યું નથી. આ દુર્ઘટના મામલે અત્યાર સુધીમાં આર એન્ડ બી વિભાગ અને કોર્પોરેશનના નિવેદનો આવ્યા હતા. પણ પોલીસ ચૂપકીદી સેવી રહી છે. તેમ જ આ મામલો ‘ઉપરના લેવલે’ જ દબાવી દેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાની ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું હતું. પૂર્વ કોર્પોરેટર મહેન્દ્રના ભાઈ ઘનશ્યામને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.