GSEB HSC Result 2022 - અમદાવાદમાં કોરોનામાં પિતા ગુમાવ્યા બાદ માતાના માર્ગદર્શનથી 90 ટકા મેળવ્યા,CA બનીને પિતાનું સપનું પૂરું કરશે

શનિવાર, 4 જૂન 2022 (14:14 IST)
કોરોનામાં અનેક બાળકોએ માતા-પિતા ગુમાવ્યાં છે ત્યારે અમદાવાદમાં હર્ષ નામના વિદ્યાર્થીએ પણ પોતાના પિતા ગુમાવ્યા હતા. પિતા ગુમાવતાં જાણે પરિવારે પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે અભ્યાસ પર અસર ન થાય એ માટે હર્ષના માતાએ પિતાની જેમ માર્ગદર્શન આપ્યું હતું અને પિતાની કમી પૂરી કરી ત્યારે આજે હર્ષે 12 કોમર્સમાં 90 ટકા મેળવ્યા છે અને હવે CA કરવાનો ગોલ છે.

હર્ષે જણાવ્યું હતું કે હું રોજ સ્કૂલમાં ભણતો, એ બાદ 2 કલાક ટ્યૂશનમાં ભણતો હતો. એ બાદ ઘરે રોજ 6-7 કલાક જાતે ભણતો હતો. 11 કોમર્સમાં હતો એ દરમિયાન મારા પિતાને કોરોના થયો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. પિતા ગુમાવતાં પરિવારમાં સૌલોકો દુઃખી હતા, પરંતુ બીજી તરફ મારા અભ્યાસની ચિંતા હતી, જેથી મારા પરિવારમાં કાકા, ભાઈ, બહેન તથા માતાએ સપોર્ટ કર્યો હતો. અત્યારસુધી પિતા ભણાવતા હતા, પરંતુ તેમના ગયા બાદ તેમની કમી ખૂબ લાગતી હતી, જેથી માતાએ પિતાની જેમ માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું હતું. માતાના માર્ગદર્શનમાંથી પ્રોત્સાહન મળતું હતું, જે બાદ સારું ભણવાનું નક્કી કર્યું હતું. આજે મારે 90 ટકા આવ્યા છે. હજુ મારે CA કરવું છે અને પપ્પાનું સપનું છે એ પૂરું કરવું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર