ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને પોરબંદરથી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો પ્રારંભ , “फिटनेस की डोज आधा घंटा रोज” ની જાગૃતિ ફેલાવાશે

શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:27 IST)
'આઝાદી કા અમૃત મહોત્સવ- ભારત@75' ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 નો કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આજે શુભારંભ કર્યો. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો ગુજરાતમાં પણ અમદાવાદ, આણંદ અને પોરબંદરથી  શુભારંભ થયો.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 ને અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી લીલી ઝંડી બતાવવામાં આવી. ગુજરાત વિદ્યાપીઠ અને યુવક વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી મંદાબેન પરીખ, સાબરમતી આશ્રમના ડાયરેકટર અતુલ પંડ્યા અને અમદાવાદના એસડીએમ (પ્રાંત અધિકારી) જે.બી. દેસાઈની ઉપસ્થિતિમાં અમદાવાદથી આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. 
આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલ યુવાનો-સ્વયંસેવકો, યુવકમંડળ/યુવતી મંડળના સભ્યો અને રમતગમત વિભાગ અમદાવાદના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 75 યુવાનો દ્વારા રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું અને સાબરમતી આશ્રમથી ઇન્કમ ટેક્ષ સર્કલ સુધી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદી દોડ (Freedom Run) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા અને ડેપ્યુટી કલેકટર કે વી બાટી ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ પોરબંદરમાં કીર્તિમંદિરથી સવારે 7:30 કલાકે શરુ થયો હતો જેમાં NSSનાં યુવાનો પણ પોતાની હાજરી આપી હતી. કાર્યક્રમ અંતર્ગત યુવાનો દ્વારા કીર્તિમંદિરનાં પ્રાંગણમાં રાષ્ટ્રગાન પણ ગાવામાં આવ્યું હતું.
 
આણંદમાં પણ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના કરમસદ ખાતે સરદાર પટેલ સ્મારકથી સરદાર પટેલ સ્કુલથી લઇને સરદાર પટેલ સાહેબના ઘર સુધી ફ્રીડમ રનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સરદાર સ્મારક પાસેથી કલેકટર એમ.વાય. દક્ષિણી, સાંસદ મિતેશ પટેલ, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, નહેરુ યુવા કેન્દ્ર રાજ્યના નિયામક મનીષા શાહ, આણંદ નહેરુ યુવા કેન્દ્રના અક્ષર શર્મા તેમજ અન્ય અધિકારીઓએ લીલી ઝંડી આપી આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ યોગ પ્રેમીઓએ દેશ ભક્તિ ગીત ઉપર યોગ કર્યા હતા. તમામે સરદાર સાહેબની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી.
 
આજથી 2 ઓક્ટોબર, 2021 સુધી ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ વખતે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો ઉદ્દેશ લોકોને આરોગ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જેમ કે રોજિંદા જીવનની દોડ અને રમતો અને સ્થૂળતા, આળસ, તણાવ, ચિંતા, રોગો વગેરેથી છુટકારો મેળવવો. આ અભિયાન દ્વારા “फिटनेस की डोज आधा घंटा रोज” નાગરિકોને તેમના જીવનમાં દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવાની પ્રતિજ્ઞા લેવા માટે કહેવામાં આવશે. આ કાર્યક્રમો કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને સમગ્ર દેશમાં શારીરિક અને વર્ચ્યુઅલ બંને રીતે હાથ ધરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર