75મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢ ખાતે કરાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે

શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:02 IST)
દેશના 75માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢ ખાતે યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમાં ભાગ લેવા બે દિવસના પ્રવાસે 14 અને 15 ઓગષ્ટના રોજ જુનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તથા ધ્વજ વંદન કરાશે. 14મી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે. જેમાં નાગરિકો, અગ્રણી અને સમાજ શ્રેષ્ઠીઓને શુભકામનાઓ પાઠવશે. ત્યારબાદ સાંજે 6.30 કલાકે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'તારા નામે ઓ સ્વતંત્રતા' થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાશે. જેમા પણ રાજયપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. 15મી ઓગષ્ટે સવારે 9 કલાકે જુનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં 75માં સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ બાદ રાજ્યના પ્રજાજનોને સંભોધન કરી શુભકામના પાઠવશે. ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર