મોડાસાના પોલીસકર્મીએ ઓનલાઈન ગેમ રમતાં 24 લાખનું દેવું કર્યું, હવે ગૃહમંત્રી પાસે મદદ માંગી

સોમવાર, 17 એપ્રિલ 2023 (16:08 IST)
અગાઉ રૂપિયા 8 લાખનું દેવું થઈ જતા આ દેવું માંડ માંડ પરિવારજનોએ ભરી દીધું હતું
ત્રણ સંતાનોના પિતા આ કર્મચારીએ ઘર છોડીને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો
 
 ઓનલાઈન ગેમિંગની લત લોકોમાં ક્રેઝ બનવા માંડી છે. તેની લતને કારણે અનેક લોકો દેવાદાર બની રહ્યાં છે. આજે ઉત્તર ગુજરાતના મોડાસાનો પોલીસ કર્મી ઓનલાઈન ગેમિંગની જાળમાં ફસાઈને 24 લાખ રૂપિયાનો દેવાદાર થઈ ગયો છે. તેણે આ દેવું ચૂકવવા માટે એક વીડિયો બનાવીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આજીજી કરી છે. તેણે વીડિયો વાયરલ કરતાંની સાથે જ મોબાઈલ સ્વીસ ઓફ કરીને ઘર છોડી દીધું હતું. પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો હતો અને પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો. 
 
હર્ષ સંઘવીને મદદ માટે આજીજી કરી 
મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા નવઘણભાઈ ભરવાડ ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા. આ લત ના કારણે અગાઉ રૂપિયા 8 લાખનું દેવું થઈ જતા આ દેવું માંડ માંડ પરિવારજનોએ ભરી દીધું હતું, પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસકર્મીએ તાજેતરમાં જ ફરી રૂપિયા 24 લાખનું દેવું કરી દીધું હતું. નવઘણ ભરવાડે વીડિયો બનાવી હર્ષ સંઘવીને મદદ માટે આજીજી કરી હતી.
 
પોલીસે તેનું કાઉન્સિલિંગ કર્યું 
તેણે વીડિયોમાં કહ્યું હતું કે, હું ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. સાહેબ હું ઓનલાઈન ગેમમાં 24 લાખના દેવામાં ફસાઈ ગયો છું. કદાચ હું આપનો કર્મચારી છું, ભૂતકાળ પણ થઈ ગયો. સાહેબ હાલનો મારો પગાર 30 હજાર છે. દર મહિને 15 હજાર ભરવા તૈયાર છું અને આ દલદલમાંથી બહાર નીકળવા માંગુ છું. સાહેબ આપના સુધી મેસેજ પહોંચે તેવી આશા રાખું છું, સાહેબ હવે થાકી ગયો છું. ત્યાર બાદ તે ઘર છોડીને ગાયબ થઈ ગયો હતો. પરંતુ પોલીસે તે કંઈક અજૂગતુ પગલું ભરે તે પહેલાં જ તેને શોધી કાઢ્યો હતો.અરવલ્લી જિલ્લા પોલીસે પોલીસ કોન્સ્ટેબલને આત્મહત્યા કરતા રોકી તેનું કાઉન્સિલિંગ કર્યું છે. તેમજ ભવિષ્યમાં ઓનલાઇન ગેમ રમી દેવાદાર ન બને તેના માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર