અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, કોન્ટ્રાક્ટરના ખર્ચે તોડી નવો બ્રિજ બનાવાશે

શનિવાર, 15 એપ્રિલ 2023 (18:03 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી
હાટકેશ્વર બ્રિજમાં ગેરરીતિ મામલે 4 એન્જીનિયરોને સસ્પેન્ડ કરાયા
 
અમદાવાદઃ અમદાવાદમાં વિવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ તોડી નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસને આજે પ્રેસકોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે. આ મામલે રચવામાં આવેલી ત્રણ નિષ્ણાંતોની કમિટીએ સમગ્ર બ્રિજનો રીપોર્ટ તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશ્નરને સોંપી દીધો છે. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ બ્રિજને તોડવાનો અને નવો બનાવવાનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરે ભોગવવો પડશે.
 
ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામા આવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસને જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજની એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આવ્યો છે, તે મુજબ મૂળ કારણ બ્રિજની ક્વોલિટી નબળી હતી. અમે તમામ ટેસ્ટ કરાવ્યા હતા. હવે ચાર પ્રકારના કામ થશે. કોન્ટ્રાક્ટર અને PMC કંપની બંને સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. બ્રિજના મુખ્ય બે 42 મીટરના સ્પાન તોડવાની ભલામણ હોવાથી સુપર સ્ટ્રકચર તોડવામાં આવશે. 
 
નિવૃત્ત થયેલા અધિકારીઓને આજે ચાર્જશીટ અપાઈ
તે ઉપરાંત નીચેના પિલ્લરની પણ ક્વોલિટી શંકાસ્પદ છે. બ્રિજ તોડવા અને નવો બનાવવાનો ખર્ચ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને ભોગવવાનો રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને PMC કંપની SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ખોખરા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નિવૃત્ત થયેલા અધિકારીઓને આજે ચાર્જશીટ આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર