સયાજી હોસ્પિટલના ENT વિભાગમાં ACમાં બ્લાસ્ટ આગ લાગી, દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા

બુધવાર, 19 જૂન 2024 (12:44 IST)
Faire in sayaji hospital
શહેરની સયાજી હોસ્પિટલમાં સવારે ઇએનટી વિભાગમાં ACમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, શોર્ટ સર્કિટને કારણે ACમાં બ્લાસ્ટ થયો હતો અને બાદમાં વિકરાળ આગ લાગી હતી. બનાવને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડ અને દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેતા તંત્રએ હાશકારો લીધો હતો. 
 
ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો
વડોદરાની સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો. આ વિભાગની આસપાસ આવેલા વોર્ડના દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. ફાયર એન્ડ ઇમર્જન્સીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
 
આગની ઘટનામાં MGVCLના સ્ટાફની પણ મદદ લેવાઈ હતી
આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડી.કે. હેલૈયાએ જણાવ્યુ હતું કે, વહેલી સવારે આ આગનો બનાવ બન્યો હતો. જેમાં અમારે ત્યાં ફાયરના સાધનો લગાવેલા છે. આગ લાગે તે પહેલાં જ કામગીરી કરી દેવામાં આવી છે. સવારનો બનાવ હોવાથી કોઈ દર્દીઓ હાજર ન હતા કે મેડિકલ સ્ટાફ પણ હાજર ન હતો. આ અંગે અમે તપાસ કરીશું. હાલમાં આ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.આ આગની ઘટનામાં MGVCLના સ્ટાફની પણ મદદ લેવાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. પરંતુ એક વ્યક્તિ સામાન્ય ઇજાગ્રસ્ત થયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર