સુરતના સચિન વિસ્તારમાં મહિલાએ બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેથી ત્રણેયને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને બંને બાળકોની હાલતમાં સુધારો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાએ માનસિક તણાવમાં આવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહારની 25 વર્ષીય મહિલા પાલી ગામમાં પોતાના એક દીકરા અને એક દીકરી સાથે રહે છે. મિલમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ બે લગ્ન કર્યા છે. પહેલાં પતિના બે સંતાન છે, જેમાં પુત્ર (ઉં.વ.7) અને દીકરી (ઉં.વ.2) છે. બીજો પતિ સાથે રહેતો નથી.મહિલાના માતા-પિતા પણ વતન રહે છે. જેથી મહિલા બંન્ને બાળકોને સાથે લઈને જ કામ પર જાય છે. પુત્ર વતન બિહારમાં અભ્યાસ કરતો હતો. જોકે આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે બાળકોના અભ્યાસ માટે વતન પૈસા નહીં મોકલાવી શકતા પુત્રને સુરત લઈ આવી હતી. મંગળવારે રાતે કામ પરથી બાળકો સાથે ઘરે આવ્યા બાદ માતાએ દૂધમાં ઝેરી દવા નાંખી બન્ને બાળકોને પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધું હતું.આ અંગેની જાણ થતા પાડોશીઓ દોડી ગયા હતા અને તાત્કાલિક 108ની મદદથી ત્રણેયને સારવાર માટે સિવિલ ખસેડ્યા હતા. જ્યાં હાલ ત્રણેયને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે આ મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.