રાજકોટમાં દિવાળી કરવા ઘરે આવેલ 15 વર્ષીય કિશોર રસ્તામાં જ ઢળ્યો

શનિવાર, 18 નવેમ્બર 2023 (19:55 IST)
heart attack
રાજ્યમાં હાર્ટ-એટેકથી મોતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. એક બાદ એક યુવાનનાં મોતની ઘટનાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે, જેમાં પિતાની પાછળ બાઇક પર બેઠેલો 15 વર્ષીય પૂજન અમિતભાઇ ઠુંમર નામનો કિશોર એકાએક ઢળી પડ્યો હતો. એને લઈને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ખાનગી અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ટૂંકી સારવાર બાદ તેનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન હૃદય ફુલાઈ જતાં સગીરનું મોત થયાનું તારણ સામે આવ્યું છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કોઠારિયા મેઈન રોડ પર શ્યામ હોલ પાસે શ્રદ્ધા સોસાયટી શેરી નં.2માં રહેતા અમિતભાઇ ઠુંમર ગઈકાલે તેના 15 વર્ષીય પુત્ર પૂજન સાથે વાળ કપાવવા માટે મવડી મેઈન રોડ ગયા હતાં. જ્યાંથી સાંજે સાત વાગ્યાની આસપાસ પિતા-પુત્ર બાઇકમાં સવાર થઈ ઘરે પરત ફરી રહ્યા હતાં. ત્યારે તેઓ ભગવનજીભાઈના દવાખાના પાસે પહોંચતાં પૂજનને અચાનક હાર્ટ-એટેક આવતાં બેભાન થઈ બાઈક પરથી નીચે પટકાયો હતો. ઘટનાને પગલે બાજુમાં જ રહેલા ભગવાનજીભાઈના દવાખાનાનો સ્ટાફ દોડી આવ્યો હતો. પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કર્યાવહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો.ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં 15 વર્ષીય પૂજનનું હૃદય ફુલાઈ જવાથી મોત થયાનું સામે આવ્યું હતું. મૃતક હૈદરાબાદ ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા બાંધકામ સાથે સંકળાયેલા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર