રાજ્યમાં 63 બ્રિજને રીપેરિંગની જરૂર જ્યારે 23 બ્રિજ અત્યંત ખરાબ હાલતમાંઃ હાઈકોર્ટમાં સરકારે સ્વીકાર્યુ

શુક્રવાર, 3 માર્ચ 2023 (19:18 IST)
મોરબી ઝૂલતા બ્રિજની ઘટના બાદ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ચર્ચામાં આવ્યો છે. આજ સમયે અમરેલીના રાજુલામાં બ્રિજ ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે. ત્યારે હાઈકોર્ટમાં રાજ્ય સરકારે બ્રિજના મુદ્દે સોગંદનામું રજુ કર્યું છે. સરકારે સોગંધનામામાં જણાવ્યું છે કે, રાજ્યના કુલ 63 બ્રિજ હાલ ખરાબ હાલતમાં છે. આ તમામ બ્રિજોને સમારકામની જરૂર છે. 
 
40 બ્રિજ એવા છે જેને સામાન્ય સમારકામની જરૂર
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે, 40 બ્રિજ એવા છે જેને સામાન્ય સમારકામની જરૂર છે. 23 બ્રિજની હાલત અત્યંત ખરાબ છે.અમદાવાદના 12, સુરતમાં 13, વડોદરામાં 4, રાજકોટમાં 1 અને જુનાગઢ 7 બ્રિજમાં સમારકામની જરૂર છે. રાજ્યના કુલ 63 બ્રિજ ખસ્તા હાલતમાં છે જેને સમારકામની જરૂર છે.ગાંધીનગરમાં બનેલા એક પણ બ્રિજને હાલમાં રિપેરિંગ કરવાની જરૂરિયાત ન હોવાનો ખુલાસો પણ એફિડેવિટમાં કરાયો છે.
 
બ્રિજની સ્થિતિ વિશે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન 25 જાન્યુઆરીએ મોરબી બ્રિજની સ્થિતિ વિશે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલે વળતર આપવાની પણ તૈયારી દેખાડી હતી. અલબત્ત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે. ગઈ કાલે જ અમરેલી જિલ્લાના રાજુલા નજીક દાતરડી બાયપાસ પાસે બની રહેલો ઓવરબ્રિજ ધરાશાયી થયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર