'૨જી ઓક્ટોબરે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે'

ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (17:58 IST)
મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાનો જે સંકલ્પ કરીને સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયા માંથી મુક્ત કરવા પ્રથમ કદમ ભર્યુ હતું જે સંકલ્પ આજે પૂર્ણ થયો છે. ૨જી ઓક્ટોબરે ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ ઉજવણી દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયા થી મુક્ત જાહેર કરશે. સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ૨૦,૦૦૦ થી વધુ સરપંચોના યોજાનાર મહા સંમેલનમાં વડાપ્રધાન શ્રી આ જાહેરાત કરશે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને એક સામાજીક અભિયાન તરીકે ઉપાડીને દેશભરમાં જાગૃતતા લાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ ધર્યુ હતુ જે આઝાદીના દાયકાઓ બાદ પણ ક્યારેય ન થયુ હોય તેવું કામ આજે પૂર્ણ થયુ છે ગુજરાતને તેનું ગૌરવ અપાવવાની આ કાર્યક્રમ થકી તક આપી છે તે આપણા સૌ માટે ગૌરવરૂપ છે. 
 
રીવરફ્રન્ટ ખાતે યોજાનાર આ સરપંચ સંમેલનમાં ગુજરાતના ૧૦,૦૦૦ સરપંચો તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરીયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશના ૧૦,૦૦૦ સરપંચો મળી કુલ-૨૦,૦૦૦ સરપંચો ભાગ લેનાર છે. ઉપરાંત સ્વચ્છતાગ્રહી, સ્વ-સહાય જુથો, યોજના સાથે સંકળાયેલા ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા વર્કરો, મહિલા ચેમ્પીયન મળી કુલ પ્રતિનિધિઓના ૬૦ % થી વધુ બહેનો ભાગ લે તે માટે અગ્રીમતા પણ અપાઇ છે.
 
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ઉમેર્યુ હતું કે, આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત થનાર ૧૦,૦૦૦ થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજીત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળોની મુલાકાત પણ કરાવાશે એટલુ જ નહી ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્રીના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે. સાથે-સાથે તેમના માટે કાર્યક્રમમાં સહભાગી થવા માટે ૪૦૦ થી પણ વધુ બસોની વ્યવસ્થા કરાઇ છે. અન્ય રાજ્યોમાંથી આવતા પ્રતિનિધિઓને ઝોન પ્રમાણે ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલા સ્થળો જેવા કે, દાંડી મેમોરીયલ-નવસારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી-નર્મદા અને દાંડી કુટિર, મહાત્મા મંદિર-ગાંધીનગરની તેમજ મોડલ ગામની મુલાકાત પણ કરાવાશે. આ તમામ પ્રતિનિધિઓને ગુજરાતની સ્મૃતિ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કિચન સાથે એક કિટ પણ અર્પણ કરાશે.
 
૨ જી ઓક્ટોબર દેશભરમાં સ્વચ્છતા દિન તરીકે ઉજવાશે. સ્વચ્છતાનો સંદેશો દેશ અને દુનિયામાં પહોંચે તે માટે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. અમદાવાદ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો દેશ-વિદેશના મહાનુભાવોને પણ સહભાગી થવા આમંત્રણ અપાયુ છે. ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સંસદસભ્યો, બોર્ડ કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ, શસસ્ત્ર દળના વડાઓ, હાઇકોર્ટના ન્યાયાધિશો, પદ્ય એવોર્ડ વિજેતા, ગાંધીયન સંસ્થાઓ, શિક્ષણવિદો, મહિલા મંડળ, સખી મંડળ, યુવા મંડળો અને વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવશે.
 
આઝાદી પછીનું સામાજીક ક્રાંતિનું મોટામા મોટુ કદમ સ્વચ્છતા મિશન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ ટર્મથી જ ઉપાડી લીધુ હતુ જે પૈકી દેશને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવાનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે જે સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાત માટે ગર્વની બાબત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર