એરપોર્ટના ખાનગીકરણ મુદ્દે અમદાવાદના કર્મચારીઓ 3 દિવસની ભૂખહડતાળ પર
ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (12:40 IST)
અમદાવાદ ઉપરાંત જયપુર, લખનઉ, ગુવાહાટી, ત્રિવેન્દ્રમ અને મેંગલોર એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ છે. વધુમાં આગામી દિવસોમાં સરકાર દ્વારા બીજા 20થી વધુ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરાશે ત્યારે સરકારના આ નિર્ણયના વિરોધમાં કર્મચારી યુનિયન અને અધિકારીઓના એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી 3 દિવસ માટે ભૂખ હડતાલ શરૂ કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર ડાયરેક્ટરની ઓફિસ સામે કર્મચારીઓ ભૂખ હડતાલ શરૂ કરી છે. 6 એરપોર્ટમાંથી અમદાવાદ, લખનઉ અને મેંગલોર એરપોર્ટ અદાણી ગ્રૂપને લીઝ પર આપવા મંત્રીમંડળે પણ સ્વીકૃતિ આપી દીધી છે. જ્યારે બાકીના 3 એરપોર્ટ તેમજ વધુ કેટલાક એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પણ શરૂ કરાતા કર્મચારીઓએ ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.