અમદાવાદ મ્યુનિ.સંચાલિત AMTS BRTS બસના પાંચ માસમાં ૨૫૯ અકસ્માત, ૧૩નાં મોત

મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (13:03 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની બસના પાંચ માસમાં નાના-મોટા ૨૫૯ અકસ્માત થયા છે.આ અકસ્માતમાં કુલ ૧૩ લોકોના મોત થયા છે.અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારાને યોગ્ય વળતર ચુકવવા ખાનગી ઓપરેટરોને ફરજ પાડવામાં આવતી નહીં હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

શહેરના વિવિધ રુટ ઉપર દોડાવવામાં આવતી એ.એમ.ટી.એસ.તેમજ બી.આર.ટી.એસ. બસ પૈકી મોટાભાગની બસ ખાનગી ઓપરેટરોને સંચાલન માટે આપી દેવામાં આવી છે.મ્યુનિ.સંચાલિત આ બસના ડ્રાઈવરો દ્વારા હંકારવામાં આવતી બસ વધુ સ્પીડથી દોડાવવામાં આવતી હોવાના કારણે રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે યમદુત સમાન પુરવાર થઈ રહી છે.

વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કરેલા આક્ષેપ મુજબ, છેલ્લા પાંચ મહિનાના સમયમાં એ.એમ.ટી.એસ.બસના કારણે નાના-મોટા ૧૦૨ અકસ્માત થયા છે.જેમાં  ૯ લોકોના મોત થયા છે.જયારે બી.આર.ટી.એસ.બસના કારણે પાંચ માસમાં કુલ ૧૫૭ અકસ્માત થયા છે.જેમાં કુલ ૪ લોકોના મોત થયા છે.આ બસ ચલાવતા ડ્રાઈવરો નશાની હાલતમાં અથવા ચાલુ બસે મોબાઈલ ઉપર વાત કરતા બસ હંકારતા હોવા સહિતના કારણોથી બંને બસના કારણે અકસ્માતની તથા અકસ્માતના કારણે મૃત્યુ પામનારાની સંખ્યા સતત વધી રહી છે.આ બસ ચલાવવાનો કોન્ટ્રાકટ ખાનગી ઓપરેટરોને આપવામાં આવ્યો હોવાથી સત્તાધીશો મળતીયા કોન્ટ્રાકટરોને છાવરી રહયા છે.ખાનગી ઓપરેટરો સામે પગલા લેવા અને અકસ્માતગ્રસ્તોને પુરુ વળતર અપાવવા વિપક્ષ તરફથી માંગ કરાઈ છે.

એ.એમ.ટી.એસ.-બી.આર.ટી.એસ.ની બસના ડ્રાયવરોએ બેફામ સ્પીડથી બસ હંકારવાના કારણે ૨૫ એપ્રિલ-૨૩થી ૩ સપ્ટેમબર-૨૩ સુધીમાં રસ્તો ક્રોસ કરતા રાહદારી ઉપરાંત હાથ લારી લઈને પસાર થતી મહિલા, સાયકલ સવાર,બાઈક સવાર ઉપરાંત બસમાંથી નીચે ઉતરનાર પ્રવાસી અકસ્માતનો ભોગ બનવા પામ્યા છે.આ પ્રમાણે બી.આર.ટી.એસ.બસના ડ્રાઈવરોએ સર્જેલા અકસ્માતના કારણે એપ્રિલ થી ઓગસ્ટ-૨૦૨૩ સુધીના સમયમાં શહેરના રખિયાલ ચાર રસ્તા, બોપલ તથા ગુલબાઈ ટેકરા એપ્રોચ,જોગેશ્વરી સોસાયટી સહિતના વિસ્તારમાં જીવલેણ અકસ્માત થવા પામ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર