Sarangpur Hanuman - સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આવ્યો અંત, વિવાદિત ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા

મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (09:37 IST)
Sarangpur Hanuman Temple Controversy -  સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો છેવટે સુખદ અંત આવ્યો છે. આજે વહેલી સવારે 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવી દેવામાં આવ્યા છે. નીલકંઠ વર્ણીને હનુમાનજી નમન કરતા હોવાના ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. 
 
 
ગઈકાલે ગાંધીનગર ખાતે સીએમ નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મળેલી બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સંતોએ વિવાદ ન વધે તેવી વાત કરી હતી. આ બેઠક બાદ 36 કલાકમાં સાળંગપુરમાં ભીંતચિત્રો હટાવવાની બાંહેધરી આપવામાં આવી છે. વડતાલ સંપ્રદાયના સંતોએ સરકાર સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં VHP અને સનાતન ધર્મના સંતો જેમ કહેશે એમ કરીશું.હનુમાનજી મહરાજ સ્વામિનારાયણ ના કુળ દેવતા છે. હનુમાનજી પ્રત્યે અતુટ શ્રદ્ધા છે એટલે જ આટલી મોટી મૂર્તિની સ્થાપના કરી છે. અમે આશ્વાસન આપવા માગીએ છીએ કે અમે હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દઈએ. આ બેઠક બાદ શહેરમાં વીએસપી સાથે પણ સંતોની બેઠક થઈ હતી. જેમાં આજે  સૂર્યોદય સુધીમાં ભીંતચિત્રો દૂર કરી દેવાની બાંહેધરી આપવામાં આવી છે. 
 
 
 
salangpur hanumanji temple controversy ended

VHP સાથેની બેઠક બાદ વડતાલના મુખ્ય કોઠારીએ જણાવ્યું હતું કે, આ બેઠક સદભાવનાભર્યા વાતાવરણમાં પૂર્ણ થઈ છે. અમારી વીએચપી સાથે બે કલાક સુધી બેઠક ચાલી છે. સ્વામીનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનો એક ભાગ છે. આજે સૂર્યોદય પહેલાં જ સાળંગપુરમાંથી ભીંતચિત્રો દૂર કરી દેવામાં આવશે. કોઈપણ સંત કે વ્યક્તિએ વિવાદાસ્પદ વાણીનો ઉપયોગ ના કરવો. 
 
તમામ સંતોએ મુખ્યમંત્રી સાથે વિવાદને લઈને ચર્ચાઓ કરી
સાળંગપુરમાં ભીંતચીત્રોનો વિવાદ વધતાં સરકારે મેદાનમાં ઉતરવું પડ્યું છે. આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંતો પણ હાજર રહ્યા હતા. તમામ સંતોએ મુખ્યમંત્રી સાથે વિવાદને લઈને ચર્ચાઓ કરી હતી. સંતો અને મુખ્યમંત્રી વચ્ચેની આ બેઠક પૂર્ણ થતા સંતો રવાના થયા હતા. દોઢ કલાકની આ બેઠકમાં સરકાર અને સંતોએ કેટલીક ચર્ચાઓ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર