20 માછીમારોને પાકિસ્તાનમાંથી મુકત કરવામાં આવ્યા, પરિવારજનો સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા

ગુરુવાર, 18 નવેમ્બર 2021 (21:09 IST)
20 માછીમારોને પાકિસ્તાનમાંથી મુકત કરવામાં આવ્યાં હતાં. ફિશરીઝ વિભાગની ટીમ માછીમારોને લઈને વેરાવળ પહોંચી હતી. માછીમારોનું પરિવારજનો સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. વેરાવળ ખાતે SOG દ્વારા તમામ માછીમારોનું ઇન્ટ્રોગેશન કરાયું હતું. જેમાં 2 માછીમારોનો ચાર વર્ષે તો 18 માછીમારોનો ત્રણ વર્ષે છૂટકારો થયો હતો.
 
બે-ત્રણ વર્ષ સુધી પરિવારથી દૂર રહેલા માછીમારોને જોતા જ તેના પરિવારજનો તેઓનો ભેંટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માછીમારોએ લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફર્યાનો આનંદ વ્યકત કર્યો હતો. તો સાથે પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સાથીઓને વહેલીતકે મુક્ત કરાવવાની માગ પણ કરી હતી. જે 20 માછીમારો પરત ફર્યા છે તેમાં 19 ગીર સોમનાથના અને 1 પોરબંદરનો રહેવાસી છે. નવાબંદરનો એક માછીમાર ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતો. જ્યારે બાકીના માછીમાર બે થી ચાર વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં બંધ હતા.
 
પરિવારજનોમાં આનંદ જોવા મળતો હતો. પરંતુ, જે માછીમારો પરત ફર્યા છે તેઓને દુઃખ એ વાતનું છે કે, હજી પણ તેના 580 જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે. તેઓને વહેલીતકે મુક્ત કરાવી પરત લાવવાની માગ કરી હતી. અવાર-નવાર IMBL નજીક પાકિસ્તાન મરીન દ્રારા માછીમારોનું અપહરણ કરવામાં આવે છે અને બાદમાં તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર