અનામતના મુદ્દે દોઢ માસથી ચાલી રહેલા આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે. 47 દિવસમાં રાજ્યના જુદા જુદા શહેરો, તાલુકાઓમાંથી 75થી વધુ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે રાજ્ય સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. પાટીદાર સમાજની સાથોસાથ બ્રહ્મસમાજ, ક્ષત્રિય સમાજ, લોહાણા સમાજ સહિતના સંવર્ણ વર્ગો પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.
રાજ્યવ્યાપી ચાલી રહેલા અનામત આંદોલનને આજે 47 દિવસ થયા છે જેમાં 75થી વધુ રેલીઓ કાઢવામાં આવી છે. સૌથી મોટી રેલી સુરત ખાતે નીકળી હતી જેમાં પાંચ લાખથી વધુ પાટીદાર સમાજના કાર્યકરો જોડાયા છે. જ્યારે આગામી તા.25ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર ક્રાંતિ રેલીમાં રાજ્યભરના પાટીદાર સમાજના કાર્યકરોને ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે. ક્રાંતિ રેલીમાં 25 લાખ જેટલા કાર્યકરો ભેગા કરવાની અત્યારથી જ કવાયત શ કરી દેવામાં આવી છે.
47 દિવસમાં યોજાયેલ 75થી વધુ રેલીઓમાં ક્ષત્રિય સમાજ, બ્રહ્મસમાજ, લોહાણા સમાજ, સોની સમાજના કાર્યકરો પણ અનામતની માગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. જ્યારે 46 દિવસમાં પાટીદાર સમાજની 65 જેટલી રેલીઓ યોજાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.