આગામી તા. ૨૫ ઓગસ્ટએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાટીદારોની મહારેલી યોજાશે. આ મહારેલીમાં જોડાવવા માટે ગુર્જર નેતા કર્નલ કિરોડીસિંહ બૈંસલા અને ઉત્તર પ્રદેશના અપના દળના નેતા અને મહિલા ધારાસભ્ય અનુપ્રિયા પટેલને ખાસ આમંત્રણ અપાયું છે.
છેલ્લા દોઢ મહિનાથી રાજ્યભરમાં પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. મહેસાણાથી આરંભાયેલું આ આંદોલનની આગ ગુજરાતભરમાં પ્રસરી ચુકી છે. આજે સુરતમાં પાટીદારોએ અનામતના મામલે અભૂતપૂર્વ શક્તિ પ્રદર્શન કર્યું હતું. સુરતની ગઈ કાલની મહારેલીને અમદાવાદની રિવરફ્રન્ટ ખાતે યોજાનારી મહારેલીની સેમિફાઇનલ તરીકે પણ ગણાય છે.
હવે આંદોલનકારીઓએ રિવરફ્રન્ટની મહારેલી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આજે સાંજે ઉમિયા કેમ્પસ કાતે એસપીજી ગ્રૂપના અગ્રણીઓ સહિતના અગ્રણીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં રિવરફ્રન્ટની મહારેલી માટેની રણનીતિ ઘડાઇ હતી. રિવરફ્રન્ટની મહારેલીમાં ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલા અને ઉત્તર પ્રદેશના અપના દળના નેતા અને મહિલા ધારાસભ્ય અનુપ્રિયા પટેલને આમંત્રણ અપાયું છે.
બહારગામથી આવનારા પાટીદારોના રહેવા-જમવાની વ્યવસ્થા માટે પાટીદારોના પાર્ટી પ્લોટ અને હોલને બુક કરવા, તેમના વાહનોની પાર્કિંગની અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવી, મહારેલી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવું વગેરે બાબતો અંગે વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરાઇ હતી. ગુજરાતભરમાંથી આવનારા પાટીદારોની અમદાવાદના ૧૫ હજારથી વધુ સ્વયંસેવકોને જવાબદારી સોંપાઇ છે. આવી જ રીતે દરેક જિલ્લા અને તાલુકામાં ટીમ બનાવવાની સૂચના અપાઇ ગઇ છે.
સુરતથી ત્રણ લાખ પાટીદારો અમદાવાદ આવશેઃ હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સુરત ખાતેની મહારેલીને સંબોધતાં જણાવ્યું હતું કે, સુરતની મહારેલીમાં સુરતના પાટીદારોની શક્તિ દેખાઇ છે. હવે રિવર ફ્રન્ટ ખાતે ગુજરાતના પાટીદારોની તાકાત જોવા મળશે. સુરતથી ત્રણ લાખ પાટીદારો અમદાવાદ આવશે.