પાટીદારોના આંદોલનનો અંત લાવો

સોમવાર, 20 જૂન 2016 (12:10 IST)
હાર્દિક પટેલ બાદ હવે લાલજી પટેલની પણ ધરપકડ થઈ જતા મરણ પથારીએ પડેલા પાટીદાર અનામત આંદોલનને પુનઃર્જીવીત કરવા માટે સૌરાષ્ટ્રના પાસ કન્વીનરો  અત્યારે એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે.જે માટે ગોંડલમાં રાજ્યના પાસ કન્વીનરોની બેઠક પણ મળી હતી. તો બીજીબાજુ અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે રાજ્ય સરકારને પત્ર લખી પાટીદાર અનામત આંદોલનનો સત્વરે અંત લાવવા માટે રજુઆત કરી છે.

સિદ્ધાર્થ પટેલે સરકારને જણાવ્યુ છે કે, પાટીદાર અનામત આંદોલનને દબાવવા માટે  સરકાર જે પ્રકારે પ્રયત્નો કરી રહી છે તે પ્રયત્નો બંધ થવા જોઈએ. તેમજ આ મામલે સરકારે સત્વરે ઉકેલ આવે તે પ્રકારના નક્કર પગલા ઉઠાવવા જોઈએ. એટલુ જ નહીં સિદ્ધાર્થ પટેલે ઉમેર્યુ છે કે, સરકારે આ આંદોલનને શાંત પાડવા માટે હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિતના પાટીદાર યુવકોને જેલમુક્ત કરી દેવા જોઈએ. તેમણે આ માંગણી સરકાર સમક્ષ પણ કરી છે.

તેમાં તેમણે જણાવ્યુ છે કે, હાર્દિકની લડાઈ એ કોઈ ગેરકાયદેસર લડાઈ નથી. તે એક સામાજિક લડાઈ છે અને લોકશાહી સરકારે આવી દરેક લોક માંગોને  ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે. તેમની દરેક વાતને સ્વિકારી લેવામાં આવે તે જરુરી નથી. પરંતુ  તેમની માંગ અંગે વિચાર કરવામાં આવે અને તે પૈકી યોગ્ય માંગ સંતોષાય તે પણ જરુરી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ સહિતના અન્ય ઘણા પાટીદાર નેતાઓ કેટલાક સમયથી જેલમાં છે. ત્યારે સૌરાષ્ટ્રના ૫૬ તાલુકાના પાસ આગેવાનો દ્વારા આવતીકાલથી નવેસરથી આંદોલન શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો