નવરાત્રી પૌરાણિક કથાઓ - શા માટે ઉજવાય છે નવરાત્રિ

સોમવાર, 7 ઑક્ટોબર 2024 (07:20 IST)
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. ત્યાર બાદ તેને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધાં ગભરાઈ ગયાં અને તેઓ ભગવાન શિવ પાસે ગયાં. શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે
 
બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યાં અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું. ત્યાર બાદ દેવી શક્તિએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુધ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો. તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે. ત્યાર બાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.
 
આ સિવાય એક બીજી દંતકથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુધ્ધ કરવા માટે નીકળ્યાં તે પહેલા તેમને દેવી શક્તિની ઉપાસન કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું. અને ત્યાર બાદ તેમને નવ દિવસ સુધી રાવણ સાથે યુધ્ધ કરીને દશમા દિવસે યુધ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયા દશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પુતળુ બનાવીને તેનું દહન કરે છે.
 
આજે વર્ષો પછી પણ એ જ ઉંમગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયા દશમીની ઉજવણી કરે છે. જે નવદિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુધ્ધ કર્યું હતું તેને નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખુબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે.
 
એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ. આ દિવસે ઠેર ઠેર ખુબ જ મોટા મોટા યજ્ઞો થાય છે. આ દિવસનું મહત્વ ખુબ જ માનવામાં આવે છે.
 
પહેલા તો ગરબા શેરીઓમાં કે ગામના ચોકની વચ્ચે થતાં હતાં. પરંતુ હવે તો આનું સ્થાન પાર્ટી પ્લોટે લઈ લીધું છે. પહેલા જે ગરબાઓ ગવાતાં હતાં તે તો બધા જાણે અત્યારે નામશેષ થઈ ગયાં છે. પહેલાં ગામડાઓમાં મહિલાઓ જાતે ગરબાં ગાતી હતી. અને જો કોઇના ઘરે બાળક જન્મયો હોય કે સારો પ્રસંગ હોય તો તેમના ઘરે ગરબાં ગવાતાં. પરંતુ આજે તો એ પરંપરા જાણે કે અદ્રશ્ય થઈ ગઈ છે. છતાં પણ હજું ગામડાઓમાં મંદિરના ચોકમાં ગરબા થાય છે જે આપણા ભારતની પારંપારિક યાદને તાજી કરાવે છે. હવે તો ગરબાં તો દૂર પરંતુ ડીજે આવી ગયા છે અને ગરબાની જ્ગ્યાએ ફિલ્મી ગીતો ગવાય છે. જેમ જેમ દિવસો વિતતાં જાય છે તેમ તેમ આપણી સંસ્કૃતિનો ધ્વંસ થઈ રહ્યો છે અને આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામતી જઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર