દરમિયાન, હુમલામાં ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો રવિવારે અહીંના મુખરજી નગર ચોક ખાતે એકઠા થયા હતા અને મહારાણા ભૂપાલ સરકારી હોસ્પિટલ સુધી રેલી કાઢી હતી. તેણે આરોપ લગાવ્યો કે તેને હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીને મળવા ન દીધો.
શુક્રવારે સવારે બુકની આપ-લે બાબતે ઉદયપુરની સરકારી સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. એ પછી એક વિદ્યાર્થીએ બીજા સ્ટુડન્ટને ચાકૂ મારી દીધું હતું, જેના કારણે ઘાયલ થનાર સગીરને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે.
તણાવ વકરતા અહીં લાંબું વિકઍન્ડ ગાળવા આવેલા સહેલાણીઓ શહેર છોડી ગયા હતા. બીજી બાજુ, શનિવારે ઉદયપુર નગર નિગમ તથા વન વિભાગે પોલીસ બંદોબસ્તની વચ્ચે ચાકૂ મારવાના આરોપી વિદ્યાર્થીના ઘર ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.
ઉદયપુર શહેરના સંસદસભ્ય ડૉ. મન્ના લાલ રાઉતે કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે જમીન ઉપર કબજો કરીને ઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એટલે તે તોડી પડાયું. જ્યારે ડુંગરપુર-બાંસવાડાના સંસદસભ્ય રાજકુમાર રોતનું કહેવું છે કે દોષિતને કાયદેસર રીતે સજા મળવી જોઈએ, પરંતુ ભાજપ સરકારે સગીરના ઘર ઉપર બુલડોઝર ફેરવીને કોમવાદનું ઝેર ભેળવ્યું છે.