બિટકૉઇન મામલે સુપ્રિયા સુળે પર ગંભીર આરોપ, મામલો શું છે?
બુધવાર, 20 નવેમ્બર 2024 (16:11 IST)
એક તરફ મહારાષ્ટ્રમાં આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપે બારામતીનાં સાંસદ સુપ્રિયા સુળે પર બિટકૉઇનને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. જોકે, સુપ્રિયા સુળેએ ભાજપના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને સુળેએ એમ પણ કહ્યું છે કે તેઓ તેની સામે ફરિયાદ કરશે.
પુણેના પૂર્વ પોલીસ અધિકારી રવિન્દ્ર પાટીલે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળે અને એનસીપી (શરચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુળે પર ચૂંટણીમાં વિદેશી નાણાનો ઉપયોગ કરવાનો અને અનેક નાણાકીય વ્યવહારો માટે બિટકૉઇનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ માગ કરી હતી કે, "સુપ્રિયા સુળે અને નાના પટોળેએ વિદેશી નાણાંનો ઉપયોગ કરીને ચૂંટણી અને મતદાનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી તેમની તપાસ થવી જોઈએ."
ભાજપે આ બાબતમાં પુરાવા તરીકે કેટલાંક કૉલ્સ રૅકોર્ડિંગ અને વૉટ્સઍપ ચેટના સ્ક્રીનશૉટ્સ પણ સોંપ્યા છે.
સાંસદ સુપ્રિયા સુળેએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુધાંશુ ત્રિવેદીને માનહાનિની નોટિસ મોકલવામાં આવશે એવું પણ તેમણે કહ્યું હતું.
સુપ્રિયા સુળેએ એવું પણ કહ્યું કે, "હું નુકસાની પેટે વકીલો મારફતે દાવો કરવા જઈ રહી છું, મેં લોકસભામાં ઘણી વખત બિટકૉઇનની આખી સિસ્ટમ સામે વાત કરી છે, તેથી તે હાસ્યાસ્પદ છે કે મારા પર આવા આરોપ લાગે."
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "મેં મીડિયામાં બિટકૉઇન વિશેનાં વિવિધ કૌભાંડો જોયાં છે. આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. જે સાચું છે તે બધાની સામે લાવવું જોઈએ. આરોપો ગંભીર છે."
સુપ્રિયા સુળે વિશે વાત કરતાં ફડણવીસે કહ્યું કે, "એવું લાગે છે કે વૉઇસ રેકોર્ડિંગ સુપ્રિયા સુળેનું છે. તપાસ પછી આ સત્ય બહાર આવશે. બિટકોઈન એ સેંકડો કરોડનો મામલો છે અને આ મામલો લોકો સમક્ષ આવવો જોઈએ. અને આ મામલાની સત્યતા વહેલી તકે બહાર આવવી જોઈએ.”
એનસીપી (શરદચંદ્ર પવાર)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, "આ ચૂંટણીમાં ભાજપ શું કરે છે તે સમગ્ર મહારાષ્ટ્રે જોયું છે. આ મુદ્દાને દબાવવા માટે સુપ્રિયા સુળે વિશેની ક્લિપ સામે આવી છે. પરંતુ તે અવાજ સુપ્રિયા સુળેનો નથી, તેથી જુઠ્ઠાણા ઊભું કરવું એ ભાજપની વિશેષતા બની ગઈ છે.