એમણે યોગી આદિત્યનાથને ટૅગ કરીને લખ્યું કે, આ બસો પર તમે ઇચ્છો તો ભાજપ બેનર, તમારા પૉસ્ટર લગાવી દો પણ અમારી સેવાને ન ઠુકરાવો. આ રાજકીય રમતમાં ત્રણ દિવસ બરબાદ થયા છે અને આ ત્રણ દિવસોમાં જ આપણા દેશવાસીઓ રસ્તાઓ પર દમ તોડી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ ગઈ 19 મેની રાતે કહ્યું કે, યુપી સરકારે પોતે કહ્યું છે કે અમારી 1049 બસોમાંથી 879 બસો તપાસમાં યોગ્ય પૂરવાર થઈ છે. ઉંચા નાગલા બૉર્ડર પર સરકારે અમારી 500થી વધારે બસોને કલાકોથી રોકી રાખી છે અને દિલ્હી સરહદે પણ 300થી વધારે બસો પહોંચી રહી છે. મહેરબાની કરીને આ 879 બસોને તો ચાલવા દો. એમણે એમ પણ કહ્યું કે તેઓ આવતીકાલે 200 બસોની યાદી બનાવીને આપશે અને બેશક યુપી સરકાર એની પણ તપાસ કરી લે.