નવું વર્ષ 2025ના આગમન સાથે ગુજરાત ગેસ કંપનીએ CNG ભરાવતા અનેક વાહનચાહકોને ઝટકો આપ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એકવાર વધારાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ આજથી એટલે કે 1 જાન્યુઆરીથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત ગેસના CNG પંપની ફ્રેન્ચાઈઝી ધરાવતા ડીલરે કહ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા માત્ર 6 જ મહિનામાં ચોથી વખત ગેસના ભાવમાં વધારો કર્યો છે. જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે.
છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. સુરતમાં રિક્ષા-કાર મળી અંદાજે દોઢ લાખ સીએનજી વાહનો છે, જેમાં રોજનો અંદાજે 3 લાખ કિલો સીએનજીનો ઉપયોગ થાય છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે.