ગુજરાતમાં ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ

રવિવાર, 25 ઑગસ્ટ 2024 (10:54 IST)
ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે અને ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે તથા કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આાગાહી કરવામાં આવી છે.
 
બંગાળની ખાડી પરની જે સિસ્ટમ છે તે ગુજરાત નજીક પહોંચી છે અને આગામી એક કે બે દિવસમાં તે ગુજરાત ઉપર પહોંચશે. જોકે, આ સિસ્ટમ રાજ્ય પર પહોંચે તે પહેલાં જ ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
 
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને તે હજી વધારે મજબૂત બને તેવી સંભાવના દેખાઈ રહી છે. આ સિસ્ટમ પહેલાં લૉ-પ્રેશર એરિયા હતો જે હવે ખૂબ વધારે મજબૂત બની જતાં રાજ્યમાં વરસાદ સાથે-સાથે પવનની ગતિ પણ વધશે.
 
જુલાઈ મહિના બાદ ઑગસ્ટના અંતમાં ફરીથી એક મોટી સિસ્ટમ ગુજરાત પર આવશે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ થઈ શકે છે.
 
શનિવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની સાથે મહેસાણામાં પણ અતિભારે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કલાકોમાં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સિસ્ટમને કારણે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડવાની શક્યતા છે.
 
25 ઑગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ તથા ભરૂચના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર