બેંગ્લોરમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ઘરે મંગળવારે રાત્રે એક હિંસક ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ લાકડીઓ લઈને તોડફોડ અને આગચંપી કરી દીધી. પોલીસ આવી તો તેમના પર પણ પથ્થરમારો કર્યો, જેમાં એડિશનલ પોલીસ કમિશનર સહિત 60 પોલીસ જવાનને ઈજાઓ પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં બે હિંસક યુવક માર્યા ગયા હતા.
આ આખો મામલો ફેસબુક પોસ્ટથી શરૂ થયો હતો. એવુ કહેવાય છે કે કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાએ ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ પછી, મંગળવારે રાત્રે 9.30 વાગ્યે, ટોળાએ પૂર્વ બેંગાલુરુના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ઘર અને ડીજે હલ્લી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો.
પોલીસે મોડીરાત બાદ હવામાં ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. પોલીસ ફાયરિંગમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. ડીજે હલ્લી અને કે.જી.હલ્લીમાં રાત્રે 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. પોલીસે અત્યાર સુધીમાં 110 લોકોની ધરપકડ કરી છે. બાકીના લોકોની શોધ કરવામાં આવી રહી છે. આ સાથે સમગ્ર મામલાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન ડીજે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારોમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે, જ્યારે બાકીના બેંગ્લોરમાં ધારા 144 લાગુ છે. હોબાળો મચાવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજા નવીન દ્વારા પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી હતી. આરોપી નવીનની પોલીસે ધરપકડ કરી છે. ગૃહ પ્રધાન બસવરાજ બોમ્માઇએ જણાવ્યું હતું કે, હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.