નિર્ભયાને મળ્યો ન્યાય - જાણો માતા-પિતાની આ 7 વર્ષની ન્યાયની લડાઈ દરમિયાન ક્યારે શું થયું?
શુક્રવાર, 20 માર્ચ 2020 (08:51 IST)
સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ બાદ નિર્ભયા કેસમાં ન્યાય મળ્યો છે. ચારે ગુનેગારોને સવારે સાડા પાંચ કલાકે દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી. નિર્ભયાનાં માતા આશાદેવીએ કહ્યું હતું કે તેમની કાયદાકીય લડત ચાલુ રહેશે અને એક કરતાં વધુ ગુનેગાર હોય ત્યારે તેઓ અલગ-અલગ દયાઅરજી દાખલ કરવા જેવી કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ ન કરે તે માટે માર્ગદર્શિકા ઘડવા સર્વોચ્ચ અદાલત સમક્ષ માગ કરીશું.
આ કેસમાં એક આરોપી રામ સિંહે તા. 11મી માર્ચ, 2013ના દિવસે તિહાર જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક દોષિત ગુના સમયે સગીર હતો, એટલે તેને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો અને જો કોઈ સગીર જઘન્ય અપરાધ આચરે તો તેની ઉપર પુખ્તની જેમ જ ખટલો ચલાવવાની જોગવાઈ કરવામાં આવી.
ક્યારે શું થયું?
- 20 માર્ચ 2020 - દિલ્હીની તિહાર જેલમાં સવારે સાડા પાંચ કલાકે ચારે ગુનેગારોને એકસાથે ફાંસી આપી દેવાઈ.
- 19-20 માર્ચ - વકીલ એ. પી. સિંહે પહેલાં હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, પરંતુ બંને જગ્યાએ ગુનેગારો કાયદાકીય જંગ હારી ગયા.
- 05 માર્ચ, 2020 - દિલ્હીની સ્થાનિક અદાલતે તા. 20મી માર્ચે સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી આપવા માટેનું ડૅથ વૉરંટ કાઢ્યું. આ પહેલાં રાષ્ટ્રપતિએ ગુનેગાર પવન ગુપ્તાની દયાઅરજીને ફગાવી દીધી.
- 03 ફેબ્રુઆરી, 2020 - નિર્ભયા ગૅંગરેપના ચારેય આરોપીઓને અલગ-અલગ ફાંસી આપી શકાય કે નહીં, તે અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. રવિવારે અદાલતોમાં રજા હોય છે, છતાં કેસની ગંભીરતાને ધ્યાને રાખીને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ઉચ્ચ અદાલતે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
- 28 જાન્યુઆરી, 2020 - સુપ્રીમ કોર્ટે મુકેશ કુમાર સિંહની દયાઅરજી ઉપર સુનાવણી હાથ ધરી. અદાલતે તેનો ચુકાદો અનામત રાખ્યો.
- 17 જાન્યુઆરી, 2020 - રાષ્ટ્રપતિએ મુકેશ સિંહની દયાઅરજી ફગાવી દીધી એટલે નવું ડૅથ વૉરંટ કાઢવામાં આવ્યું. જેમાં તા. 1 ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે ફાંસી આપવાનો સમય નક્કી કરાયો હતો.
- આરોપી મુકેશ કુમારે ખટલાના તબક્કે જ તિહાર જેલમાં ખુદને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધેલી
- 15 જાન્યુઆરી, 2020 - દિલ્હી સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે રાષ્ટ્રપતિ સમક્ષ એક ગુનેગારની દયા અરજી પડતર છે, એટલે તા. 22મીએ તમામને ફાંસી ન આપી શકાય. 2014માં સર્વોચ્ચ અદાલતે ફાંસી સંબંધે માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી નકારવામાં આવે, ત્યારથી લઈને ફાંસીની વચ્ચે 14 દિવસનો સમય આપવા કહ્યું હતું.