દિલ્હી ફાયર સર્વિસીસ (DFS) તરફથી મળેલી માહિતી અનુસાર, વિવેક વિહાર સ્થિત નવજાત સંભાળ હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ કુલ 12 બાળકોને બચાવી લીધા હતા. તેમાંથી 7 ગંભીર રીતે દાઝી ગયેલા નવજાતનાં મોત થયાં છે, જ્યારે અન્ય 5 નવજાત હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. ઘટનાસ્થળે હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે.
નવજાત બાળકોનો કોઈ રેકોર્ડ મળ્યો નથી
વિવેક વિહાર ફેઝ-1 આઈટીઆઈ ચોક પાસે લગભગ 120 સ્ક્વેર યાર્ડમાં બનેલ બિલ્ડીંગ નંબર સી-54ના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે ચાલતા બેબી કેર સેન્ટરમાં શનિવારે રાત્રે આગ ફાટી નીકળી હતી. જેના કારણે 12 નવજાતને એમ્બ્યુલન્સ અને પીસીઆર દ્વારા સારવાર માટે નજીકની અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર રામજી ભારદ્વાજે 6 નવજાતને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલ નવજાત શિશુ અને અન્ય 5 બાળકોને સારવાર માટે દાખલ કરાયા હતા. જેમાંથી ગંભીર હાલતમાં બાળકનું પણ પાછળથી મોત થયું હતું. આગમાં નાશ પામેલા બેબી કેર સેન્ટરમાં નવજાત બાળકોનો કોઈ રેકોર્ડ મળ્યો નથી.