દેશભરમાં ગોવિંદાએ ધુમ મચાવી....

વેબ દુનિયા

મંગળવાર, 31 ઑગસ્ટ 2010 (12:33 IST)
નવી દિલ્હી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા સહિત દેશભરમાં રવિવારે જન્માષ્ટમી તહેવારની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. સાથોસાથ રાધાકૃષ્ણ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જામી હતી.

આ પ્રસંગે મથુરામાં કેશવદેવ મંદિર, ઇસ્કોન મંદિર સહિત તમામ મંદિરોમાં ભારે સુરક્ષા વચ્ચે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા અને ભગવાનની પૂજા અર્ચના કરી હતી. સમગ્ર માહોલ કૃષ્ણમય બન્યો હતો. ચોમેર....નંદ ઘેર આનંદ ભયો....જય કનૈયા લાલ કી.....ગોવિંદા આલા રે......સહિતના નાદ ગૂંજી ઉઠ્યા હતા. કૃષ્ણના વૃંદાવનમાં વિશેષતાથી જન્માષ્ટમી ઉજવાઇ હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં ઇસ્કોન સહિતના મંદિરોને વિશેષતાથી સજાવાયા હતા.

ગુજરાતના અમદાવાદના ઇસ્કોન મંદિર સહિતના મંદિરોમાં ધામધુમથી આ પર્વની ઉજવણી કરાઇ હતી. જ્યારે દ્વારકા સ્થિત શ્રીકૃષ્ણ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઇને દુર-દુરથી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાતે બારના ટકોરે બાળ ગોપાલને જન્મ થતાં આનંદની છોળો ઉડી હતી. તો બીજી બાજુ આ પ્રસંગે ઠેર ઠેર મટકીફોડ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું જેમાં યુવાનોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો.

વેબદુનિયા પર વાંચો