કાલુપુર રેલવે સ્ટેશન પર સેલ્ફી લેશો તો પાંચ વર્ષની સજા થશે

શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (13:40 IST)
વેસ્ટર્ન રેલવેના  સૌથી વ્યસ્ત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી અમદાવાદ ડિવિઝને મુસાફરોના હિતમાં નિર્ણય કર્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર કોઈ પણ મુસાફર સેલ્ફી લેતા પકડાશે તેને પાંચ વર્ષ સુધી સજા થઈ શકે છે.

રેલવે પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવે એક્ટ 1989 હેઠળ મુસાફરોને આ સજા કરાશે. એક્ટ હેઠળ જે મુસાફર સેલ્ફી લેતા ઝડપાશે તેના પર 145, 147 અથવા 153 કલમ હેઠળ શિક્ષાત્મક પગલાં લેવાશે. સેલ્ફી ખેંચતા મુસાફરોના બેકગ્રાઉન્ડમાં રેલવેનો ખાલી ટ્રેક હશે તે મુસાફર વિરુદ્ધ રેલવે એક્ટના સેક્શન 147 પ્રમાણે પગલાં લેવાશે જ્યારે ગુડ્સ ટ્રેન અથવા પેસેન્જર ટ્રેનને બેકગ્રાઉન્ડમાં લેતા મુસાફરો વિરુદ્ધ સેક્શન 145 અને 147 બંને અંતર્ગત શિક્ષાત્મક પગલાં લેવાશે.

જે મુસાફરો ચાલતી ટ્રેનમાં સેલ્ફી લેતા ઝડપાશે અથવા ચાલતી ટ્રેનને બેકગ્રાઉન્ડમાં લેતા ઝડપાશે તેને રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિનિયમ હેઠળ પાંચ વર્ષ સુધીની સજા કરવામાં આવશે. તાજેતરમાં હિન્દી ફિલ્મના કલાકારે મુંબઈમાં સબઅર્બન ટ્રેનમાં સેલ્ફી લેતા હોવાનો ફોટો વાયરલ થયો હતો ત્યારે તેમની વિરુદ્ધ રેલવે દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.  

વેબદુનિયા પર વાંચો