સુનામીએ તબાહ કરી નાંખેલી પ્રાચીન નગરી ધોળાવીરામાં મળી આવી હોવાનો દાવો

મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (17:49 IST)
ગુજરાતમાં વિશ્વની પ્રથમ પ્રાચિન નગરી શોધી કાઢી હોવાનો પુરાતત્વવિદોએ દાવો કર્યો હતો. તેમના આ દાવામાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ નગરી સુનામીને કારણે નાશ પામી હતી. ગોવાના પણજીમાં એક પત્રકાર પરિશદને સંબોધતા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓશનોગ્રાફીના ડાયરેક્ટર SWA નકવીએ કહ્યું છે કે, ગુજરાતમાં કચ્છના રણમાં આવેલા ધોળાવીરા નામનો પુરાતત્વિક મહત્વનો વિસ્તાર મળ્યો છે, જે આયોજિત રીતે સ્થપાયેલી શહેરી વસ્તી હતી, અને લગભગ ૩, ૪૫૦ વર્ષ પહેલા સુનામીના કારણે તબાહ થઇ ગયું હતું.
  તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ વિસ્તાર અત્યારસુધીમાં શોધાયેલા વિસ્તારોમાં દુનિયાનો સૌથી જુનો વિસ્તાર છે, જે અમારા માનવા મુજબ સુનામીની ઝપટમાં આવ્યો હતો. ધોળાવીરા પ્રાચીન હડપ્પા સભ્યતાના કાળમાં વસેલી 'આધુનિક શહેરી' વસ્તી હતી, જેને હડપ્પા યુગમાં સૌથી મોટું બંદરગાહ શહેર માનવામાં આવતું હતું. આ શહેર લગભગ 5 હજાર વર્ષ પહેલા વસ્યું હતું, અને લગભગ ૩, ૪૫૦ વર્ષ પહેલા સુનામીએ તેને તબાહ કરી દીધું હતું. ધોળાવીરા ભારતની સીમાઓની અંદર હડપ્પા યુગનો બીજો સૌથી મોટો વિસ્તાર છે, જેમાં ત્રણ ભાગ છે - એક કિલ્લો, મધ્યવર્તી શહેર અને નીચલું શહેર. રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન શાખાના અગ્રણી વિજ્ઞાની રાજીવ નિગમે જણાવ્યું છે કે, ધોળાવીરાની એક મહત્વની ખાસિયત તે છે કે ૧૪ - ૧૮ મીટર પહોળી દીવાલ, સંભવત: સુનામીના સુરક્ષાના હેતુથી બનાવવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો