લોકાયુક્ત મુદ્દે આંદોલન ચલાવવા જીપીપી અણ્ણા હજારેની શરણે

શનિવાર, 30 માર્ચ 2013 (11:47 IST)
P.R
ગુજરાત સરકાર દ્વારા 2જી એપ્રિલના રોજ વિધાનસભામાં રજૂ થનાર લોકાયુક્ત આયોગના નવા કાયદા સામે આંદોલન ચલાવવા ગુજરાત પરિવર્તન પાર્ટીએ જાણીતા સમાજ સેવક અણ્ણા હજારેની મદદ માંગી છે. જીપીપીના મંત્રી ગોરધન ઝડકિયાયે આ અંગે અણ્ણાને પત્ર પણ લખ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અણ્ણા હજારેએ લોકપાલ માટે લડત આપવા સૌથી મોટુ આંદોલન છેડ્યુ હતુ.

જીપીપીના ઝડફિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર લોકાયુક્તપદે જસ્ટિસ આર.એ. મહેતાને નિમણૂક આપવાને બદલે હજુપણ કાનૂની લડાઈરૂપે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન કરી છે. જ્યારે બીજી તરફ વિધાનસભામાં નવો લોકાયુક્ત કાયદો રજૂ કરવા જઈ રહી છે ત્યારે તેને રોકવા સરકાર પર દબાણ લાવવું જરૂરી છે. ગુજરાતમાં ભાજપની સરકાર નવો લોકાયુક્ત આયોગ કાયદો બનાવવા જઈ રહી છે ત્યારે તેને રોકવા અને તે તરફ દેશ આખાનું ધ્યાન દોરવા માટે અણ્ણા ગુજરાત આવે અને સરકાર સામે જલદ આંદોલન શરૂ કરે તેવી વિનંતી કરતો પત્ર જીપીપીએ લખ્યો છે. .

અત્રે નોંધનીય છે કે રાજ્યપાલ કમલા બેનીવાલે લોકાયુક્તપદ માટે જેમની નિમણૂક કરી છે તે નિવૃત્ત જસ્ટિસ આર.એ. મહેતા અને અણ્ણા હજારે મિત્રો છે. અણ્ણા હજારે થોડાંક સમય પહેલાં જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેઓ જસ્ટિસ આર.એ. મહેતાના નિવાસસ્થાને રોકાયા હતા અને રાજ્ય સરકાર એમ માને છે કે જસ્ટિસ મહેતા એનજીઓ સાથે જોડાયેલા અને સરકાર વિરોધી માનસિક્તા ધરાવે છે. તેથી તેમને લોકાયુક્તપદે નહીં બેસવા દેવા કાનૂની જંગ ચાલી રહ્યો છે.


અણ્ણા ગુજરાતમાં આવીને લોકાયુક્તના મુદ્દે ચોક્કસપણે અમને માર્ગદર્શન આપશે. એવી જીપીપીના મંત્રી ગોરધન ઝડકિયાયે આશા બતાવી છે.

વેબદુનિયા પર વાંચો