બેન્કના એટીએમના ગાર્ડની કરપીણ હત્યા કરી લૂંટનો પ્રયાસ

ગુરુવાર, 23 જુલાઈ 2015 (17:50 IST)
મેઘરજ તાલુકાના શણગાલ ગામે લૂંટારુ ટોળકીએ આતંક મચાવી દેના બેન્કના એટીએમના ગાર્ડની કરપીણ હત્યા કરી લૂંટનો પ્રયાસ કરતાં આ ઘટનાએ ભારે ચકચા જગાવી છે. 

આ અંગેની વિગત એવી છે કે શણગાલ ગામની મધ્યમાં આવેલા દેના બેન્કના એટીએમ સેન્ટર પર મોડી રાત્રે લૂંટારુ ટોળકી ત્રાટકી લૂંટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એટીએમના સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હીરાભાઇ કાળાભાઇએ લૂંટારુઓનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો, પરંતુ લૂંટારુઓ આ ગાર્ડને પેટના ભાગે તેમજ છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી હતી. ત્યાર બાદ લૂંટારુએ કેશબોકસ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ન તૂટતાં એટીએમ સેન્ટરમાં તોડફોડ કરી લૂંટારુ ટોળકી નાસી છૂટી છે.  

વહેલી સવારે એટીએમ સેન્ટરમાં લોહી નીકળતી હાલતમાં ગાર્ડની લાશ જોતા લોકો ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા અધિકારીઓ તાબડતોબ પહોંચી ડોગ સ્કોર્ડની મદદથી સઘન તપાસ શરી કરી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો