બાળલગ્નોમાં ગુજરાત ત્રીજા નંબરે

ગુરુવાર, 31 માર્ચ 2016 (18:19 IST)
તાજેતરમાં પ્રકાશિત થયેલ યુનાઈટેડ નેશન ચિલ્ડ્રન ફંડના રિપોર્ટમાં બાળ લગ્ન મામલે ગુજરાતને
દેશમાં ત્રીજા ક્રમાંકે મુકવામાં આવ્યુ છે. જ્યારે રાજસ્થાન પ્રથમ અને પશ્ચિમ બંગાળ બીજા
ક્રમાંકે છે. ગુજરાતમાં  ૧૦થી ૧૪ વર્ષની ઉંમરની કુલ ૨૮.૬ લાખ છોકરીઓના લગ્ન થયા છે.
 

 ભારતમાં સૌથી વધુ બાળ લગ્ન નોંધાયા હોય તેવા જિલ્લાઓની બાબતમાં ગુજરાતનો પાટણ
જિલ્લો પ્રથમ ક્રમે આવે છે. રસપ્રદ વાત એ છે કે યુનિસેફના રિપોર્ટમાં નોંધવામાં આવ્યુ છે કે
ગુજરાતમાં ગરીબ પરિવારો કરતા ધનિક પરિવારોમાં બાળ લગ્નનું ચલણ વધારે છે. ગુજરાતમાં કુલ
લગ્ન પૈકી ૩.૭ ટકા લગ્ન બાળ લગ્ન થતા હોય છે. બાળ લગ્ન પાછળનું મુખ્ય કારણ સામાજિક
પરંપરા હોવાનું નોંધવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઉત્તર ગુજરાતના તમામ
જિલ્લામાં ૮૦ ટકાથી વધુ યુવતિઓના લગ્ન હાયર સેકેન્ડરી સુધીમાં થઈ જતા હોય છે. જ્યારે
 
રાજ્યના અન્ય ભાગોમાં પણ આ સ્થિતિ વધુ સારી કહી શકાય તેવી નથી. ગરીબ પરિવારોને
આર્થિક સ્થિતિ પણ બાળ લગ્ન માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યુ છે. સૌથી ચોંકાવનારી
બાબત એ છે કે,  ગુજરાતમાં ૧૦થી ૧૪ વર્ષની ઉંમરની ૪૧૮૩ કિશોરીઓ વિધવા થઈ હતી.
જ્યારે ૮૧૧ કિશોરીઓએ છુટાછેડાનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં ૧.૮૧ લાખ
છોકરી એવી છે કે જેમના લગ્ન ૧૫થી ૧૮ વર્ષની ઉંમરમાં થઈ જતા હોય છે.  જેમાંથી ૪૬૦૦
છોકરીઓ વિધવા બની હતી. જ્યારે ૮૮૮ છોકરીઓએ છુટાછેડાનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે આ મામલે રાજસ્થાન દેશમાં પ્રથમ ક્રમાંકે છે જ્યાં ૧૫થી ૧૮ વર્ષની ૩.૨૪ લાખ
છોકરીઓના લગ્ન થઈ જાય છે. જે પૈકી ૩૦૨૪ છોકરીઓ વિધવા થઈ છે અને ૧૬૮૬ છોકરીઓએ
છુટાછેડાનો સામનો કરવો પડ્યો છે.

વેબદુનિયા પર વાંચો