પોરબંદરનાં દરિયાકાંઠે રેતીચોરીથી કાચબાઓની પ્રજાતી પર જોખમ

શનિવાર, 14 મે 2016 (13:54 IST)
પોરબંદરનાં મીંયાણીથી માધવપુર સુધીનાં ૧૦૦ કિ.મી.ની દરિયાઈ પટ્ટી અત્યંત રમણીય છે અને તેની હજારો માઈલની સફર ખેડીને સમુદ્રી કાચબીઓ પ્રજોત્પતિ માટે આ વિસ્તારમાં આવે છે અને ત્યાં ઈંડા મુકે છે. પરંતુ એ જ દરિયાઈપટ્ટી ઉપર બેફામપણે થઈ રહેલી રેતીચોરીનાં કારણે દરિયાઈ કાચબાઓ ઉપર જીવનું જોખમ સર્જાયું હોવા છતાં વનવિભાગ, પોલીસતંત્ર અને ખાણખનિજ વિભાગ રેતીચોરીને અટકાવતું નહીં હોવાથી પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. દરિયા કિનારે કુતરા અને શિયાળ જેવા પ્રાણીઓ ઈંડાને નુકસાન પહોંચાડે નહીં તે માટે તે વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા કરે છે. જેમાં દરિયા કિનારે રાત્રીનાં સમયે આવતા કાચબાઓ માળા બનાવવાનું પસંદ કરે છે. કાચબી અંદાજે ૮૦થી ૧૨૦ ઈંડાને કિનારા પરથી રેતીમાં બનાવાયેલ ખાડામાં કુદરતનાં ખોળે ઉછેરવા માટે મુકીને દરિયામાં ફરે છે. અંદાજે ૬૦થી ૭૦ દિવસ બાદ વિકાસને અંતે ઈંડાના કોચલાને તોડીને બચ્ચુ બહાર આવે છે અને દરિયા તરફ દોટ મુકે છે.અમુક બચ્ચાઓ દરિયામાં જાય છે. બાકીનાં ઘણા બધા કુતરાઓનો શિકાર બની જાય છે માટે આ દરિયાઈ કાચબાઓનાં ઉછેર અને સંરક્ષણ માટે પોરબંદરના રંગબાઈ નજીક અને માધવપુર પાસે કાચબા ઉછેર કેન્દ્ર પણ આવેલા છે. બીજી બાજુ દરિયાકિનારે ગેરકાયદે રેતીચોરી થતી હોવાથી કાચબીઓ સ્વેચ્છાએ આવા વિસ્તારોમાં ઈંડા મુકવા માટે આવે નહીં તે સ્વાભાવિક છે. લોકોની અવરજવર તેમજ વાહનોમાં રેતી ઉઠાવી જવાતી હોવાથી વાહનનાં અવાજથી ડરતા કાચબાઓ ત્યાંથી દૂર ચાલ્યા જાય છે.

વેબદુનિયા પર વાંચો